કરૂણાંતિકા: રાજકોટમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવવા આવેલા યુવકને તાવ ભરખી ગયો
ઉનાના વાસદ ગામનો યુવક બહેનના ઘરે રોકાયા બાદ બેભાન હાલતમાં ઢળી પડયો
રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવારનવાર અનેક માનવ જીંદગી રોગચાળાના કારણે કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ઉનાના વાસદ ગામનો યુવાન રાજકોટમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવ્યો હતો. યુવક બેનના ઘરે રોકાયો હતો ત્યારે તેને અચાનક તાવ ચડતા બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉના તાલુકાના વાસદ ગામે રહેતા લાલજીભાઈ કરશનભાઈ કામરીયા નામનો 39 વર્ષનો યુવાન રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે આવેલ માધવ વાટીકામાં રહેતી તેની બહેન શાંતુબેનના ઘરે હતો ત્યારે રાત્રીનાં ત્રણેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. લાલજીભાઈ કામરીયાને મગજમાં ગાંઠ હતી તેનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ આવ્યો હતો અને બહેનના ઘરે રોકાયો હતો. જ્યાં યુવકનું તાવની બિમારી સબબ મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.