સિવિલ હોસ્પિટલમાં તસ્કરોના ધામા: નિદ્રાધીન યુવકના ખિસ્સામાંથી 4 હજારની રોકડની ચોરી
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બનેવીની ખબર કાઢવા પરિવાર સાથે આવેલા યુવકને લખતર પરત જવામાં પડયા ફાંફાં
સિવિલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વો પડ્યા પાથર્યા રહેતા હોય તેમ અવારનવાર દર્દીઓ અને તેમના સગાઓના રૂૂપિયા અને વાહનોની ચોરી થયાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બનેવીની ખબર પૂછવા આવેલા લખતર પરિવાર સાથે આવેલો યુવા રાત્રિના સૂતો હતો ત્યારે ગઠિયાઓએ યુવકના ખિસ્સામાં રહેલ રૂૂ. 4,000 ની રોકડ આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતનું પર્સ ચોરી લીધું હતું. યુવકને ગઠીયાનો ભેટો થતા યુવકને પરત ફરવામાં ફાફા પડ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ લખતરમાં રહેતા અને ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કાળું રાજુભાઈ સુરેલા નામનો 20 વર્ષનો યુવાન રાત્રિના સિવિલ હોસ્પિટલના રૂૂમ નંબર 21 સામે પોતાના પરિવાર સાથે સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ખિસ્સામાં રહેલા રૂૂ.4000 ની રોકડ, આધાર કાર્ડ અને પાનકાર્ડ ભરેલા પર્સની ચોરી કરી લીધી હતી. સવારે ઊઠતાની સાથે જ કાળુભાઈ સુરેલાનો પર્સ હાથ નહીં લાગતા તેને લખતર પરત ફરવાના ફાંફા પડ્યા હતા.
કાળુભાઈ સુરેલાની પ્રાથમિક પૂછપરછમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તેના બનેવી અજયભાઈ અમરાભાઇ વાઘેલાને દાખલ કરવામાં આવ્યા છે. અને બનેવી અજયભાઈ વાઘેલાની ખબર પૂછવા કાળુભાઈ સુરેલા પોતાના પરિવાર સાથે લખતરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. અને રાત્રિના જ સિવિલ હોસ્પિટલમાં સૂઈ ગયો હતો. અને સવારે ઘરે જવાનું હતું પરંતુ રાત્રીના સમયે ગઠીયાએ પૈસા સેરવી લેતા ઘરે જવા ભાડાના રૂૂપિયા ન વધતા કાળુ સુરેલા સહિતનો પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો સિવિલ હોસ્પિટલમાં લાખોના ખર્ચે સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા શખ્સોનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે.