ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહી
રાજકોટ શહેરમા ગઇકાલે સાંજે મુસ્લીમ પરીવારો દ્વારા ડીજે વગાડી ઉર્ષની ઉજવણીના ભાગરૂપે ઝુલુસ કાઢી દરગાહે પહોંચી નમાઝ અદા કરી હતી. ત્યારે આ ઝુલુસની રેલી માટે પોલીસમાથી મંજુરી લેવામા આવતી હોય છે. જેથી આ રેલીમા પોલીસ દ્વારા બંદોબસ્ત મુકવામા આવતો હોય છે ત્યારે ગઇકાલે ઢેબર રોડ પર એક રેલીમા 100 થી વધુ લોકો જોડાયા હતા જેને લઇ રસ્તા પર ટ્રાફીક જામ થયો હતો અને આ મામલે પોલીસ ત્યા પહોંચી તપાસ કરતા આ રેલીના સંચાલકો દ્વારા કોઇ પ્રકારની પોલીસમાથી મંજુરી લેવામા આવી નહી હોવાનુ જાણવા મળતા પોલીસે બંને સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ ગઇકાલે સાંજના 6 વાગ્યાના સુમારે એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ એમ. વી. લુવા, અલ્પેશભાઇ બોરીચા સહીતનો સ્ટાફ પોતાના વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે ઢેબર ચોક પાસે ટ્રાફીક જામ હોય જેથી ત્યા જઇ તપાસ કરતા ત્યા રેકડીમા ડીજે સીસ્ટમ ચાલુ હોય તેમજ ડીજેની પાછળ એક છોટા હાથીમા જનરેટર ચાલુ હોય અને ડીજે સાથે 100 જેટલા લોકો ચાલીને જતા જોવામા આવ્યા હતા. ત્યારે પોલીસે ત્યા જઇ પહોંચી અને રેલીના સંચાલક બાબતે પુછપરછ કરતા તેમાથી બે લોકો સમીરહુશેન મીરઝા (રહે. રામનાથપરા શેરી નં 14 ધંધો સ્કુલ વાન) અને બીજો ફેજલબેગ ઇમ્તીયાઝ બેગ મીરઝા (રહે. રામનાથપરા શેરી નં 14) હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ બંનેની પુછપરછ કરી અને પોલીસની મંજુરી બાબતે પુછતા તેઓએ પોલીસમાથી કોઇપણ મંજુરી લીધી નહી હોવાનુ જણાવ્યુ હતુ.
આ ઘટના બાદ રેલીમા રહેલ સાઉન્ડ સીસ્ટમ ઓપરેટીંગ કરનારનુ નામ પુછતા તેમણે પોતાનુ નામ આનંદ રમેશ સારીયા (રહે ભવાની નગર શેરી નં ર ) વાળો હોવાનુ જણાવ્યુ હતુ તેમજ પોતે ડીજેનુ ઓપરેટીંગ કરતા હોય અને રેલી સંચાલક સમીરના કહેવાથી રેલીમા ડીજે સાથે આવેલ હોવાનુ જણાવ્યુ હતુ અને રેલી સંચાલકો આ રેલી ગેબનશાહ પીરનુ ઝુલુસ હોવાથી કાઢયુ હોવાનુ બંનેએ જણાવ્યુ હતુ પોલીસે જાહેરનામા ભંગ બદલ બીએનએસની કલમ રર3 અને જીપી એકટ 13પ (3) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.