સાંઢિયા પુલના ડાયવર્ઝનને કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકજામ
જામનગર રોડથી રાજકોટને જોડતા દાયકાઓ જુના સાંઢિયા પુલને તોડી નવો ફોરટ્રેક પુલ બનાવવાના પ્રોજેકટ પર મનપાએ કામ ચાલુ કરી દીધું છે. હાઇવેને જોડતો આ પુલ પોલીસે વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો હતો,તો કોર્પો. વતી રેલવેના કોન્ટ્રાકટરે રેલનગર તરફના ખુણે પુલ તોડવા માટે રોડ ઉખેડવાનું કામ શરૂૂ કરી દીધું છે. ટેન્ડરની શરતો મુજબ બે વર્ષમાં આ નવો પુલ બનાવીને તૈયાર કરવાનો થાય છે. રાજકોટનો આ સાંઢિયા પુલ વર્ષોથી જામનગર રોડ તરફથી અવરજવર માટે કાયમી માર્ગ બન્યો હતો.
પરંતુ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ટુ, થ્રી અને કાર જેવા ફોર વ્હીલરનું આસપાસના વિસ્તારો ભોમેશ્વર, રેલનગર અને બજરંગવાડીમાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.ત્યારે ઘણા બધા વાહનો આ વિસ્તારોમાંથી પસાર થતા ઘોંઘાટ અને ટ્રાફિકજામથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગઈકાલે પોપટપરા મેઈન રોડ પર ટ્રાફિકજામ થતા એક પોલીસની પીસીઆર વેન પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી જેથી ત્યાં સબીલના માણસોએ લગભગ એકાદ કલાક સુધી નિયમન કરી મહામહેનતે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ સાથે જ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ટ્રાફિક થતો રહેત હોય જેથી પોલીસ સ્ટાફ વધુ મુકવો જોઈએ.