હોસ્પિટલ ચોકથી હિરાસર એરપોર્ટ સુધી ટ્રાફિકજામ
રક્ષાબંધનના તહેવાર અને રામનાથદાદાની વરણાગી વચ્ચે ટ્રાફિક પોઇન્ટ રેઢા પડ
કુવાડવા હાઇવે ઉપર ભંગાર રસ્તા અને આડેધડ સ્પીડબે્રકરોના કારણે વાહનો ફસાયા
રાજકોટ શહેરમા ટ્રાફિક સમસ્યા હળવી કરવા જરૂૂરિયાત પ્રમાણે અનેક બ્રિજ બન્યા પરતુ ટ્રાફિકની માથાના દુખાવા સમાન આ સમસ્યા હળવી થઈ નથી. ગઈકાલે રક્ષાબંધનના તહેવારને લઈને રાખડી બાંધવા પરિવાર સાથે નાના-મોટા અનેક વાહનોમાં પસાર થયા હતા. ત્યારે એક સાથે બધા વાહનોની અવરજવર વધી હતી. બપોરના બાદ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત હોવાથી ટ્રાફિક જોવા મળ્યો હતો, ત્યારે રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી લઇ પારેવડી ચોક સુધી લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
શહેરના મુખ્ય રસ્તાઓ પર છાશવારે સર્જાતી ટ્રાફિકજામની સ્થિતિને કારણે વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમા ફસાયા હતા. શહેરના પારેવડી ચોકથી લઈને કૈસરે હિન્દ પુલ અને પારેવડી ચોક સુધી પણ આ સમસ્યા સર્જાય હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માટે ક્યાક ટ્રાફિક પોઈન્ટ તો વળી ક્યાક કેટલાક આડેધડ વાહન ચલાવતા વાહનચાલકો પણ જવાબદાર છે. કેશરીહિંદ પુલ શરૂ થાય છે ત્યા રામનાથ પરા જવા માટે જમણી બાજુ વળવુ પડે છે ત્યારે વાહનચાલકો આડેધડ નીકળતા હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો વળી વોર્ડન જ્યા સુધી ઊભા હોય ત્યારે ટ્રાફિક ક્લિયર કરાવે છે પરતુ બાદમા એને એ જ સ્થિતિ જોવા મળે છે.
તો બીજી તરફ રાજકોટ-ચોટીલા હાઈવે પર કુવાડવા પાસે બ્રિજનું કામ બાકી હોય એને રાજકોટથી એઈમ્સથી માંડીને અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના અન્ય સ્થળોએ જવા આવવા આજ રસ્તાનો ઉપયોગ થતો હોય ગઈકાલે મોડી સાંજે કુવાડવા રોડથી હીરાસર એરપોર્ટ તરફ ટ્રાફિકની અંધાધુંધી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ઉપરાંત ગોંડલ રોડ, કાલાવડ રોડ, માધાપર ચોક સહિત રીંગરોડ સહિતના સ્થળે પણ ભારે ટ્રાફિક જામ વારંવાર સર્જાતો હોય છે. રાજકોટના સત્તાધીશોએ રેસકોર્સમાં એક જ સ્થળે લોકમેળો વીસ લાખની જનતા માટે યોજ્યો છે જેમાં રોજ એકથી બે લાખ લોકો ઉમટતા હોય છે તેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાવાની પૂરી શક્યતા છે.આ સ્થિતિમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રામનાથદાદાની વરણાગીમાં જવા માટે લોકોની અવરજવર વધી હતી જેથી ટ્રાફીક પોઇન્ટ રેઢા પડ બન્યા હતા અને ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ હતી.