મોરબી ચોકડી પાસે 4 કલાક સુધી ટ્રાફિકજામ
- હાઈવે પર ખોદકામના કારણે સર્જાઈ અંધાધૂંધી: ટ્રાફિક ક્લિયર કરાવતા પોલીસતંત્રને પરસેવો વળી ગયો: એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ સહિત અનેક ફસાયા
રાજકોટ શહેરનો વિકાસ બેફામ વધી રહ્યો છે. ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા પોલીસ તંત્ર માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે શહેરમાં ઠેક ઠેકાણે ઓવરબ્રીજો બનાવવામાં આવ્યા હોવા છતાં ટ્રાફિક સમસ્યા જેસે થે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે શહેરની ભાગોળે મોરબી રોડ ચોકડી પાસે સવારે ખોદકામના કારણે સર્જાયેલા ટ્રાફિકજામના કારણે અસંખ્ય વાહનો ચાર-ચાર કલાક સુધી ફસાઈ જતા ભારે અંધાધુંધી સર્જાઈ હતી.
રાજકોટ શહેરને જોડતા મોરબી રોડ પર આવેલ ચોકડી પાસે આજે સવારે હાઈવે પર ચાલતા ખોદકામના કારણે ટ્ર્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ શહેરના પ્રવેસદ્વાર સમાન મોરબી રોડ ચોકડી પાસે જ ચારેય તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ચાર કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારમે ભારે અંધાધુંધી સજાીઈ હતી.
મોરબી રોડ ચોકડી પાસે ટ્રફિક પોલીસને ટ્રાફિક ક્લિયર કરાવતા રિતસરનો પરસેવો વડી ગયો હતો. રાજકોટ શહેરમાં આવતા વાહનો તો ટ્રાફિકમાં ફસાયા હતાં પરંતુ મોરબી રોડ ઉપર આવેલ એન્જિનિયરીંગ કોલેજોમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ પણ ટ્રફિક જામમાં ફસાઈ ગયા હતાં. આ ઉપરાંત મોરબી તરફથી આવતા સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ ટ્રાફિકજામનો ભોગબન્યા હતાં.મોરબી રોડ ઉપર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી અને એમ્બ્યુલન્સને ટ્રાફિકજામમાંથી બહાર કઢાવતા પોલીસને રિતસરનો પરસેવો વળી ગયો હતો.
કેસરી પુલ ઉપર પણ ટ્રાફિકજામ
રાજકોટની ભાગોળે આવેલ મોરબી રોડ ચોકડી પાસે સવારે હાઈવે પરના ખોદકામના કારણે ટ્રાફિકના ચક્કાજામ સર્જાયા છે જ્યારે શહેરના કેસરી પુલ ઉપર પણ સવારે ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક પોલીસને ભારે દોડઘામ કરવી પડી હતી. શહેરના પ્રવેશ દ્વાર સમાન રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા રોજીંદી બની ગઈ છે. ત્યારે આ ટ્રાફિકજામમાંથી લોકોને કાયમી હલ થાય તેવા કડક પગલા લેવા શહેરીજનો ઈચ્છી રહ્યા છે.