પોલીસ પરિવાર દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન...
સમગ્ર દેશમા આજે વિજયાદશમી (દશેરા ) નાં પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે નવરાત્રીનાં 9 દિવસ બાદ આવતો આ તહેવાર વિજયનુ પ્રતિક છે. આ દિવસે ભગવાન શ્રીરામે 14 વર્ષનો વનવાસ પુરો કરીને રાવણનો વધ કર્યો હતો. જેની યાદમા દશેરાનુ પર્વ ઉજવાય છે. આ પરંપરા અનુસાર પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પુજન કરવામા આવતુ હોય છે.
ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા હેડ કવાર્ટર ખાતે શસ્ત્ર પુજન કરવામા આવ્યુ હતુ. શહેર પોલીસનાં આ ખાસ કાર્યક્રમમા પોલીસ પાસે રહેલા હથીયારો જેવા કે પીસ્તોલ, રાયફલ, એકે 47 રાયફલ, બોર પમ્પ એકશન ગન, કાર્બાઇન મશીન, ટીયર ગેસ ગન, ઓટોમેટીક સ્નેફર, 10 થી વધુ અલગ અલગ હથીયારોની સાથે સાથે અશ્ર્વ , શ્ર્વાન તેમજ બુલેટપ્રુફ વાહન અને વ્રજ વાહન સહીતનાં હથીયારો એકસાથે રાખવામા આવ્યા હતા. શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે આ શસ્ત્રોને તિલક કરી વિધીવત પુજા કરવામા આવી હતી.
આ શસ્ત્ર પુજનમા અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન 1 હેતલ પટેલ, ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇ , ડીસીપી ટ્રાફીક હરપાલસિંહ જાડેજા, એસીપી રાધીકા ભારાઇ અને એસીપી બી. જે. ચૌધરી સહીતનાં અધીકારીઓ ઉપસ્થીત રહયા હતા. આ તકે ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ જણાવ્યુ હતુ કે દશેરાનાં દીવસે પરમકૃપાળુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ કે રાજકોટ શહેર અને ભારત વર્ષમા શાંતિ અને સલામતી જળવાઇ રહે.