મેળામાં કાદવ-કીચડ-અસુવિધાથી વેપારીઓમાં રોષ
રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં એક તરફ તંત્ર દ્વારા વેપારીઓ પાસેથી ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ પૂરતી સુવિધાઓ ન મળતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, ખાણી-પીણીના સ્ટોલ પર ગંદકી, કાદવ અને કિચડનું સામ્રાજ્ય હોવાની ફરિયાદ ઉઠી છે. વેપારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં, આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી.
મંડપ અને લાઇટિંગના ઊંચા ભાવ વેપારીઓએ ફરિયાદ કરી છે કે મંડપ સર્વિસના ધંધાર્થીઓ દ્વારા ડબલ અને બેફામ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. આ અંગે કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે.લાઇટિંગના ભાવ પણ ડબલ લેવાતા હોવાની ફરિયાદ પ્રાંત અધિકારી સુધી પહોંચી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્ટોલ પર વરસાદથી બચવા માટે તાડપત્રી પણ નાખવામાં આવી નથી, જેના કારણે વેપારીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
સ્ટોલમાં કાદવ અને કિચડ હોવાના કારણે વેપારીઓ અન્ય કામગીરી પણ કરી શકતા નથી. તંત્ર દ્વારા મેટલ નાખવાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં તે હજુ સુધી થઈ નથી. વેપારીઓની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાથી વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.