તહેવારોમાં ફરસાણ-મીઠાઇનું 10 ટકા નીચા ભાવે વેચાણ કરવા વેપારીઓ સહમત
જિલ્લા પુરવઠા અધિકારી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત 10% જેટલા નીચા ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, જન-આરોગ્યને અનુલક્ષીને વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝ્યા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) અને હાનિકારક રંગીન દ્રવ્યનો ઉપયોગ ન કરવા તેમજ ગુણવત્યુક્ત ફરસાણ અને મીઠાઈ બનાવવાની તકેદારી રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી, તેમ પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.
લાઈવ ગાંઠીયા, ફરસાણ તથા મીઠાઈના નિયત કરાયેલા દર નીચે મુજબ છે લાઈવ ગાંઠીયાના કિલોગ્રામના હાલના ભાવ શિંગ તેલમાં - રૂૂ. 700, કપાસિયા તેલમાં - રૂૂ. 520 અને પામોલીન તેલમાં - રૂૂ. 450 છે તેના બદલે શિંગ તેલમાં - રૂૂ. 640, કપાસિયા તેલમાં - રૂૂ. 470 અને પામોલીન તેલમાં - રૂૂ. 400 લેલામાં આવશે. ફરસાણના કિલોના ભાવ શિંગ તેલમાં - રૂૂ. 580, કપાસિયા તેલમાં - રૂૂ. 400 અને પામોલીન તેલમાં - રૂૂ. 320 છે તેના તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં - રૂૂ. 540, કપાસિયા તેલમાં - રૂૂ. 350 અને પામોલીન તેલમાં - રૂૂ. 280 લેવાશે. બુંદી લાડુ, લાસા લાડુ, મીઠી બુંદીના હાલના ભાવ (કિલોગ્રામમાં) : રૂૂ. 240 છે જે તહેવાર નિમિત્તે ભાવ રૂૂ. 220 અને મોહનથાળ, મૈસુબના હાલના ભાવ રૂૂ. 280 છે તહેવાર નિમિત્તે ભાવ રૂૂ. 250 લેવામાં આવશે.