તહેવારો ઉપર ચોરી-લૂંટની ઘટના અંગે તકેદારી રાખવા વેપારીઓને સૂચના
સોની વેપારીઓ અને આંગડીયા પેઢીના સંચાલકો સાથે પોલીસ અધિકારીઓની મીટીંગ યોજાઇ
શહેરમાં દિવાળીના તહેવાર અનુસંધાને લોકો સુરક્ષીત રહી આનંદ ઉલ્લાસ સાથે દિવાળી નો તહેવાર મનાવે તેમજ તહેવારો ઉપર ચોરી અને લુંટ જેવી ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને વેપારીઓ ખાસ કરીને સોના ચાંદી ના વેપારી અને આંગડીયા પેઢીના સંચાલકો સાથે મીટીંગ યોજી તકેદારી રાખવા સુચના આપી હતી.
શહેરની જનતાના જાનમાલનું રક્ષણ થાય તે પોલીસની પ્રાથમિકતા રહેલી છે ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના અધ્યક્ષ સ્થાને અગામી દિવસોમાં આવનાર દીવાળી તહેવાર અનુસંધાને શહેરમાં વેપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
ખાસ કરીને સોના-ચાંદીના વેપારી તેમજ ઇન્મીટેશનના વેપારીઓ અને આંગડીયા પઢીના સંચાલકો તેમજ આગેવાનો મીટીંગમાં હાજર રહ્યા હતા. મીટીંગમાં દિવાળી ના તહેવાર અનુસધાને દુકાનોમાં સીસી.ટીવી કેમેરા યોગ્યરીતે ચાલુ રાખવા,પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારી/મજુરોની વિગત પોલીસને આપવા, સી.સી.ટીવી. કેમેરા બેકઅપ રખાવ ઉપરાંત કીંમતી ધરેણા, વસ્તુઓને રજાઓ દરમ્યાન વધુ સુરક્ષીત જગ્યાએ મુકવા સુચના આપવામાં આવી હતી. તેમજ કોઇપણ મદદ માટે તાત્કાલીક જન રક્ષક 112 અથવા નજીના પોલીસ મથકનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
ફરવા જાવ તો પોલીસને જાણ કરો, ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં ન મૂકો
દિવાળીના તહેવારમાં લોકો વતનમાં અથવા બહાર ગામ ફરવા જતાં હોય છે જેનો લાભ લઈ રહેણાક મકાનમાં ઘરફોડ ચોરીના બનાવો બનતા હોય છે. ત્યારે આ તહેવારો ઉપર પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સુચના આપી છે. શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તહેવાર દરમિયાન બહારગામ જવાનું થાય તો ઘર વ્યવસ્થિત લોક કરીને જવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજવસ્તુ ન રાખવી અને જો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ અથવા લોકરમાં રાખવી તેમજ બહાર ગામ ફરવા જાવ ત્યારે ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ ન કરવા, ઉપરાંત વધુ દિવસ સુધી બહાર રહેવાનું હોય તો નજીકના પોલીસ મથકને જાણ કરવી અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ 112 ઉપર જાણ કરવી.