ગુજરાતમાં ખેડૂતોને રૂા.2430 કરોડ ચૂકવાયા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂૂ. 3320.89 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 7,98,972 ખેડુતોને રૂૂ. 2430.75 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂૂ. 10 હજાર કરોડ કરતાં વધુનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30,71,846 ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ 20,81,122 અરજીઓ મંજુર કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓગષ્ટ-સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં થયેલા પાક નુકશાન સામે સહાય મેળવવા કુલ 2,28,376 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી કુલ 1,72,165 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 91,589 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂૂ. 311.87 કરોડ ઓનલાઇન બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 68,787 ખેડૂતોને રૂૂ. 246.70 કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, આજદિન સુધીમાં રાજ્યના કુલ 3,79,367 ખેડૂતો પાસેથી રૂૂ. 6049.15 કરોડના મૂલ્યની 8,41,494.90 મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને 1,47,017 ખેડૂતોને રૂૂ. 2376.45 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.