ટી.પી. કપાતના મામલે જનરલ બોર્ડને ઉઠા ભણાવતા અધિકારીઓ
લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ નિયમ હેઠળ રાજકીય માંધાતાઓની મિલકત કાપ્યા વગર જનરલ બોર્ડમાં જવાબ રજૂ કરી દીધો
તા.29-03-2023ની સ્ટેન્ડિંગ કમિટિમાં કપાત કરવાની દરખાસ્ત મંજૂર થયા બાદ એક કાંકરી પણ હલાવ્યા વગર કાગળ ઉપર કપાત બતાવી દીધી !
રાજકોટ મહાનગરપાલિકાએ બનાવેલા નિયમો ફકત શહેરીજનો માટે હોય તેવુ ફરી એકવખત જાણવા મળ્યુ છે. રાજકીય ઓથ ધરાવતા લોકો તેમજ લાગવગીયાઓ માટે છડે ચોક નિયમોનું ઉલંધન થઇ રહ્યું હોવાનુ ફરી એક વખત જોવા મળ્યુ છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ રોડ પહોંળો કરવાનો હોય ત્યારે ચમરબંધીની મિલકતો પણ છોડવામાં નથી આવતી છતાં ફરી એક વખત મનપાએ સ્ટેન્ડિંગ કમિટિ અને જનરલ બોર્ડની ગરીમાં હણાય તેવું કૃત્ય આચર્યુ હોવાનું જાણવા મળેલ છે.
બે રોડ પહોંળા કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મૂકવામાં આવેલ અને કપાત માટે સ્ટેન્ડિંગમાં મંજૂરી અર્થે દરખાસ્ત રજૂ થયેલ જે મંજૂર કરી ટીપી વિભાગે આ રોડ રસ્તા પહોંળા કરવાના બદલે એજ સ્થિતિમાં રાખી જનરલ બોર્ડમાં પૂછવામાં આવેલ પ્રશ્ર્નના જવાબમાં કપાતની કામગીરી પૂર્ણ થયાનો ખોટો રીપોર્ટ રજૂ કરતા ખળભળાટ મચી ગયેલ છે.
મનપાના જનરલ બોર્ડમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કેટલા રોડ મૂકવામાં આવ્યા છે અને કેટલા ખૂલી ગયા છે. તે અંગેનો પ્રશ્ર્ન પૂછવામાં આવેલ જેના જવાબમાં ટીપી વિભાગ તરફ રજૂ થયેલ જવાબમાં અંકુરનગરથી રીંગરોડને જોડતો 24 મીટરનો રોડ અને ગોપાલ પાર્કવાળો 9 મીટરનો રસ્તો લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની કપાતની કાર્યવાહી પૂર્ણ થઇ ગયેલ છે. તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. આ મુદ્દે તપાસ કરતા માલુમ પડે કે, અંકુરનગર રોડ પહોંળો કરવાની કાર્યવાહી છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહી છે. આ રોડની વચ્ચોવચ એક રાજકીય અગ્રણીની ઇમારત આવેલી છે. તેમજ 40થી વધુ સોસાયટીના મકાનો કપાતમાં આવે છે.
વખતો વખત અસરગ્રસ્તો દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવેલ અને સ્ટે. પણ લીધેલ જેના લીધે રોડ પહોંળો કરવાની કામગીરી આજ સુધી થઇ નથી. આથી રાજ્ય સરકારના નવા નિયમ મુજબ અંકુરનગર મેઇન રોડને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મૂકી કપાતની કામગીરી સરળતાથી થઇ શકશે. તેમ લાગતુ હતુ અને બંને રોડની મિલકતો કપાતમાં આવતા અસરગ્રસ્તોને વળતર આપવા સહિતના મુદ્દે તા.19/3/2023ની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂર પણ કરવામાં આવેલ ત્યારબાદ અસરગ્રસ્તોને વળતર મુદ્દે મીટિંગ સહિતની કામગીરી આજ સુધી કરવામાં આવી નથી.
જેના લીધે કપાતમાં આવતી તમામ મિલકતો આજે પણ અકબંધ જોવા મળે છે. આ મુદ્દે અસરગ્રસ્તોને ડિમોલીશનની નોટિસ પણ આપવામાં આવેલ તે વખતે ભારે હોબાળો મચી ગયેલ અને કોઇપણ કારણોસર રોડ પહોળો કરવાનું માંડી વાળ્યુ હોય તેમ આજ સુધી કોઇ કામગીરી થઇ નથી. તો ટીપી વિભાગે શા માટે બંને રોડની કપાતની કામગીરી પૂર્ણ થયાનો ખોટો જવાબ બોર્ડમાં રજૂ કર્યો છે. તે તપાસનો વિષય બને છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બંને રોડ પહોંળા કરવામાં રાજકીય ગ્રહણ નડી ગયું છે.
તેવી જ રીતે 150 ફૂટ રીંગ રોડને જોડવા માટે 40થી વધુ મકાનો કપાતમાં આવતા હોય આલોકોની રજૂઆતના પગલે રોડ ખોલવાની જરૂરીયાત ન હોયતો આ પરિવારોને હેરાન ન થવુ પડે તેવી વિચારણા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હોય તેવી જ રીતે રોડ ખુલે છે. ત્યા 150 ફૂટ રીંગરોડ પર એક જાણીતા બિલ્ડરની પ્રોપટી આવેલ હોય તેમાં પણ મામુલી કપાત બિલ્ડર સહન કરી શકે તેમ નથી અને આ બિલ્ડર રાજકીય છત્રછાયા ધરાવતા હોવાથી રોડ પહોંળો આજ સુધી થઇ શકયો નથી. તેમ માની શકાય પરંતુ અધિકારીઓ શા માટે જનરલ બોર્ડમાં ખોટા જવાબો આપી રહ્યા છે. તે જાણવુ જરૂરી બન્યું છે.
વધુ 28 રોડ પહોળા કરવાની કામગીરી ખોરભેં ચઢી
શહેરની વસ્તી વધતા વાહન ચાલકો માટે રોડ પહોંળા કરવાની ફરજ પડી રહી છે. આથી સરકાર દ્વારા બનાવામાં આવેલ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુખ્ય માર્ગોને મૂકી કપાતમાં આવતી મિલકતોના માલિકોને યોગ્ય વળતર ચૂકવી રોડ પહોંળા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારથી ખદબતા કોર્પોરેશનમાં આવી અનેક કામગીરીઓ ખોરભેં ચડાવી દેવામાં આવી રહી હોવાનુ જાણવા મળેલ છે. બે રોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ ત્રણેય ઝોનમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મૂકવામાં આવેલા જંકશન રોડથી પોપટપરાના નાલા સુધીનો, કેકેવી ચોકથી મોટામવા પુલ સુધીનો, કોટેચા ચોકમાં આવેલા નિરવ નામનું મકાન, એસ્ટ્રોન નાલાથી લક્ષ્મીનગર નાલા સુધીનો રોડ, રેવન્યુ કર્મચારી રોડ, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેનો રોડ, મોટામવાથી મનપાની હદ પૂરી થાય ત્યા સુધીનો રોડ, ભગવતીપરા બ્રિજની કપાત વાળો રોડ તથા રેલવે ફાટકથી જયપ્રકાશ નગર સુધીનો રોડ, હોસ્પિટલચોકથી જવાહર રોડ સુધીનો રોડ, લોધાવાડ ચોકથી રેલવે ફાટક સુધીનો ગોંડલ રોડ, માલવીયા ચોકથી લોધાવાડ ચોક સુધીનો ગોંડલ રોડ અને અમીન માર્ગ પહોંળો કરવાની કામગીરી આજ સુધી શરૂ થઇ નથી.