કાલે છેલ્લો દિવસ; અનિરૂધ્ધસિંહ જાડેજા જેલમાં સરેન્ડર કરશે કે નહીં ? ભારે ચર્ચા
સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ તા.18મી સુધીમાં હાજર થવું ફરજિયાત
ગોંડલમાં તાત્કાલિક ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં આજીવન કેદની સજા માફી રદ કરી આત્મસમર્પણ કરવા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટે હુકમ કર્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અનિરુદ્ધસિંહ જાડેજાને આવતીકાલે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું હતું પણ તેઓએ અત્યાર સુધીમાં આત્મસમર્પણ કર્યું નથી. ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા મળેલી મુદત પ્રમાણે કાલે 18 સપ્ટેમ્બર અનિરૂૂદ્ધસિંહ જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યા કેસમાં આરોપી છે અને આ મામલામાં મળેલી સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કરતા અનિરુધ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં સજા માફીના હુકમ સામે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ અરજી સાંભળી ન હતી અને આત્મસમર્પણ કરવા હુકમ કર્યો હતો. એટલે હવે તેમને ફરીથી જેલમાં હાજર થવાનું છે. હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ મારફતે પોતાનો પાસપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે. જોકે હાજર થવા માટે આપાયેલ મુદત ને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આત્મસમર્પણ કરશે કે નહી ? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે,રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં પણ અનિરુધ્ધસિંહ સામે ગુન્હો નોધાયેલ છે. પાટીદાર યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ તે આરોપી છે.
આ કેસમાં અમિતના પરિવારજનોએ અનિરૂૂદ્ધસિંહ પર ત્રાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. આ કેસમાં પણ પોલીસ જેલ માંથી અનિરુધ્ધસિંહનો કબજો લેશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, જો અનિરૂૂદ્ધસિંહ કાલે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની મિલકત જપ્તી સહીત ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે. અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત કરવામાં આવી રહી છે.