ટમેટાં 100, આદુ 260, કોથમીર રૂા.160ની કિલો
વરસાદથી લીલા શાકભાજીની આવક ઓછી થતા ભાવ પર અસર: બટેટા-ડુંગળીમાં રૂા.23 વધ્યા
રાજ્યમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતા લીલા શાકભાજી અને ટમેટાની આવકમાં ઘટાડો થતાં તેની અસર ભાવ પર પડી છે. ટમેટા રૂા.100ની કિંમત વટાવી ગયા છે તો અન્ય શાકભાજી પણ ભાવની દ્રષ્ટિએ જાણે આંભને આંબી ગયા છે. સતત વધેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગની બચત ખોરવાઈ ગઈ છે.
સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂૂ.48 કિલો મળી રહ્યા છે.આદુ રૂૂ.260 કિલો, કોથમીર રૂૂ.160 કિલો, સરગવો રૂૂ.240 કિલો મળી રહ્યો છે. જયારે લીલા શાકભાજી રૂૂ.120 થી 160 કિલો મળી રહ્યા છે. એમાંય ટામેટાની આવક ઓછી થતા સેન્ચુરી વટાવી દીધી છે. એટલે કે, સામાન્ય દિવસોમાં રૂૂ.20 કિલો મળતા ટામેટા છુટક રૂૂ.100 કિલો મળી રહ્યા છે. લીલા શાકભાજીના ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી હવે સસ્તા શાક મુકવામાં આવી રહ્યા છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. જેના લીધે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.
વેપારીના જણાવ્યા મુજબ ટામેટાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં અચાનક વધારો થયો છે. ટામેટા મહારાષ્ટ્ર અને બેગ્લોરથી આવતા હોય છે.જેમાં ઉનાળાની ગરમીને લીધે 25 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો થઈ ગયો છે. આ ઉપરાંત ડુંગળી અને બટાકાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવો વધે તેવી શકયતા છે.
બીજી તરફ જયારે કોથમીર એમપીથી આવે છે જેની આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે. સામાન્ય દિવસોમાં સરગવો રૂૂ.45 થી 60 કિલો મળતો હતો તે અત્યારે રૂૂ.240 કિલો મળી રહ્યો છે. જયારે લીલી ચા રૂૂ.200 કિલો મળી રહી છે. લીલા શાકભાજી એક માસ પહેલા રૂૂ.50 થી 70 કિલો મળતા હતા તે અત્યારે રૂૂ.120 થી 160 કિલો મળી રહ્યા છે. એક સમયે ફુલાવરની કિમત નહીં આવતા ખેડૂતોએ હાઈવે પર ફેંકી દીધુ હતુ. અત્યારે ફુલાવર રૂૂ.160 કિલો મળી રહ્યુ છે.