અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટોલદરમાં 67 ટકાનો વધારો
ચૂંટણીઓ પૂર્ણ થતાં જ વડોદરાના ભરથાણા ટોલનાકે નવા ઉઘરાણા શરૂ, રાજકોટ-જેતપુર હાઈવે ઉપર પીઠડિયા ટોલનાકે પણ વધારો ઝીંકાયો
મહારાષ્ટ્રમાં ધારાસભાની સામાન્ય અને બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપરાંત રાજકોટ-જેતપુર વચ્ચે ટોલદરોમાં વધારો ઝીંકી દેવાયો છે. આજે મધરાતથી અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે પર મુસાફરી કરવી મોંઘી થઈ છે. વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 67 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂૂપિયા વસૂલાતા હતા તેમાં વધારો થતા આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂૂ 155ની વસુલાત શરૂ કરાઈ છે. ભરથાણા ટોલપ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઇ છે. જેમાં મહિને 340 રૂૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.વડોદરાથી ભરૂૂચ જવા માટે હવે રૂૂ. 50 વધુ ચૂકવવા પડશે. 23 સપ્ટેમ્બરના રોજ ટોલટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે આજે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.
ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂૂપિયા લેવામાં આવતા હતા તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂૂપિયા થશે, જ્યારે માસિક પાસના 5085 ચૂકવવાના રહેશે. કઈટ વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂૂપિયા થશે. બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂૂપિયા વસૂલાતા હતા તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે. રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના 17,210 ચૂકવવાના રહેશે.
આ પહેલા 1 જુલાઇ-2021ના રોજ ટોલટેક્ષમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ પછી ફરીથી ટોલટેક્સમાં ભાવ વધારો કરવામાં આવે છે.. આ વખતે તો કારના અધધધ…67 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે રોજના લાખો વાહન લોકોને વધારે ટોલ ટેક્ષ ચૂકવવો પડશે.આજ રીતે થ્રી એક્સેલ વાહનનો નવો ટોલદર સિંગલ બાજુનો 565 અને રિટર્ન 845 રૂૂપિયા થશે. જ્યારે માસિક પાસના 18,775 રૂૂપિયા થશે. ફોરથી સિક્સ એક્સેલ વાહનનો નવો ટોલ દર સિંગલ સાઈડનો 810 રૂૂપિયા, રિટર્ન 1215 અને માસિક પાસ 26,990 રૂૂપિયા રહેશે. HCM/EME વાહનોનો નવો દર સિંગલ સાઈડના 810 રૂૂપિયા, રિટર્ન 1215 રૂૂપિયા અને માસિક પાસ 26,990 રહેશે જ્યારે સેવન અથવા તેનાથી વધુ એક્સેલ વાહનના સિંગલ સાઈડના 985 રૂૂપિયા, રિટર્નના 1480 રૂૂપિયા અને માસિક પાસ 32,855 રૂૂપિયા થશે.
વડોદરા પાસે આવેલા ભરથાણા ટોલનાકા પર ટોલદરમાં વધારો કરાતા સૌથી વધુ અમદાવાદથી મુંબઈ તરફ જે વાહનચાલકો નેશનલ હાઈવે પરથી પસાર થાય છે તેના પર પડશે. ટોલમાં થયેલા ભાવ વધારાની અસર આવનારા સમયમાં ખાનગી બસોના ભાડમાં અને ટ્રાન્સપોર્ટના નુરમાં પણ જોવા મળી શકે છે.
પીઠડિયા ટોલનાકે વધારો ઝીંકાતા ડાઈંગ એસો.નો ઉગ્ર વિરોધ, આંદોલનની ચીમકી
રાજકોટના જેતપુર નજીક આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત દસ રૂૂપિયામાંથી 25 રૂૂપિયા ટોલ ચાર્જ કરી દેવામાં આવ્યો છે. દોઢ ગણા ભાવ વધારો કરતા જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઇંગ એસોસિએશને ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમજ ભાવ વધારો પરત નહીં ખેંચાય તો દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.આ અંગે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ છગનભાઈ ઉસદડિયાએ જણાવેલ કે, હાલમાં જેતપુરથી રાજકોટ સુધી 6 લેન રોડનું કામ ચાલુ છે. ત્યારે ટોલ ટેક્ષના ભાવ વધારો કોઈ રીતે યોગ્ય નથી. જેતપુરથી રાજકોટ વચ્ચે પીઠડીયા અને ભરૂૂડી એમ બે ટોલ પ્લાઝા આવે છે અને આ બંને વચ્ચે 36 કિમીનું અંતર છે. જે હાઇવે ઓથોરીટીના 60 કિમીમાં એક જ ટોલ નાકું હોવું જોઈએના નિયમની વિરુદ્ધનું છે એટલે પીઠડીયા ટોલ નાકું હોવું જ ન જોઈએ. ભાવ વધારો 24 કલાકમાં પાછો ખેંચવામાં આવે તેવી અમારી માંગ છે.જેતપુર તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણી તેમની પાસેથી આજીવન પાંચ રૂૂપિયા ટોલ વસુલવાની સમજૂતી થઈ હતી. પરંતુ ટોલ પ્લાઝા દ્વારા સમજૂતી તોડીને 5 રૂૂપિયામાંથી 7 રૂૂપિયા 10 રૂૂપિયા ભાવ વધારો કર્યો અને હવે સીધો દોઢ ગણો વધારો ઝીંકી 25 રૂૂપિયા કરી નાખ્યો તે કોઈ રીતે ચલાવી લેવામાં નહિ તેમ જણાવ્યુ છે.