લોકમેળા માટે ફોર્મ જમા કરવાનો આજે અંતિમ દિવસ, માત્ર 40 ટકા પરત આવ્યા
રાજકોટનો સુપ્રસિદ્ધ લોકમેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન થયા બાદ પણ હજુ સુધી પૂરતા પ્રમાણમાં ફોર્મ જમા ન થતાં તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. આજે ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે, અને આવતીકાલથી ત્રણ દિવસ માટે વિવિધ કેટેગરીની હરાજી હાથ ધરવામાં આવશે.
ગઈકાલ સાંજ સુધીમાં કુલ 264 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેની સામે માત્ર 119 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકમેળામાં કુલ 238 સ્ટોલ છે, જેની સામે અડધા જેટલા જ ફોર્મ ભરાયા છે. આજે કેટલા ફોર્મ ભરાઈને આવે છે તેના પર સૌની નજર રહેશે.
બીજી તરફ, રાઈડ્સ સંચાલકો સાથે કલેક્ટરની બેઠક બાદ નિયમોમાં થોડી બાંધછોડ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક આંદોલનકારી અને ખાનગી રાઈડ્સ સંચાલકો દ્વારા લોકમેળાના રાઈડ્સ સંચાલકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કલેક્ટર દ્વારા ખાનગી રાઈડ્સ અંગે હજુ સુધી કોઈ ફેરફારની સૂચના અપાઈ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકમેળાના ફોર્મ પણ પૂરતા પ્રમાણમાં આવ્યા નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 20 જેટલા રાઈડ્સ સંચાલકો ફોર્મ જમા કરાવે તેવી શક્યતાઓ છે.