જેલમાં જવાથી બચવા માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખે લૂંટની ખોટી સ્ટોરી ઘડી’ તી
- માણાવદરમાં પોતાના ઘરે સર્ચ ઓપરેશન કરતા 9.30 લાખની રોકડ મળી આવી
થોડા દિવસ પહેલા પોતાને ત્રણ શખ્સોએ બાઈક પર આવીને લાત મારી પછાડી દઈને 9.30 લાખની રોકડ રકમ લુંટી લીધાની ફરિયાદ કરનાર માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પોતે જ આરોપી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરીને રોકડ રકમ કબજે કરીને કાર્યવાહી કરી છે.
જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું કે, માણાવદરમાં નીલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ ગોવિદભાઈ કાલરીયા ઉ.61 એ ગત તા. 13 ફેબ્રુઆરીએ પોલીસમાં એવી ફરિયાદ કરી હતી કે, તેઓ કપાસનું 9.30 લાખનું પેમેન્ટ લઈને ગુણાતીત મિલમાંથી સનલાઈટ કોટેક્ષ મિલમાં આપવા માટે બાઈક ઉપર જતા હતા, ત્યારે આઈટીઆઈ નજીક ગૌશાળાથી થોડે આગળ જાંબુડી નાકાના કાચા રસ્તા પાસે બે શખ્સો બાઈક પર આવ્યા અને એક શખ્સ ત્યાં ઉભો હતો.
તે શખ્સે દિનેશભાઈને લાત મારીને પછાડી દીધા અને તેમની પાસે રહેલી 9.30 લાખની રોકડ ભરેલ ઝબલું ઝુંટવીને બાઈક ઉપર ત્રણેય શખ્સો કાચા રસ્તેથી નાસી ગયા હતા, ઘટનાને લઈને પોલીસે તા.13 ના રોજ દિનેશભાઈની ફરિયાદ પરથી ગુન્હો દાખલ કર્યો હતો, બાદમાં પીએસઆઈ સી.વાય.બારોટ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ફરીયાદીના કહેવા મુજબ તેઓએ સ્થળ પંચનામું કર્યું હતું.
અને સ્થળ ચકાસણી અને રિક્ધસ્ટ્રકશન કરાવતા ફરીયાદીના કહેવા મુજજ્બમાં અનેક વિસંગતતા જણાય આવેલ અને બનાવને સમર્થન મળતું ના હતું, તેમજ આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ્યા જેમાં પણ પોલીસને કોઈ બાઈક સવારો ભાગતા હોય તેવું દેખાઈ આવતું ના હતું. જેથી પોલીસને ફરીયાદી ઉપર જ શંકા જતા પોલીસે તેની આકરી પૂછતાછ કરતા દિનેશ કાલરીયા ભાંગી પડયો હતો. અને પોતે જ ખોટી ફરિયાદ કરી હોવાની કબુલાત આપી હતી.જેના આધારે પોલીસે તેના ઘરનું સર્ચ કરીને ઘરમાંથી 9.30 લાખની રોકડ રીકવર કરીને દિનેશ કાલરીયાની ધરપકડ કરીને લુંટનો કેસ ઉકેલી નાખ્યો છે.
કોર્ટ કેસનો ચુકાદો આવવાનો હોય તેમાં રૂા.15 લાખ ભરપાઇ કરવાના હોય જેથી લૂંટનું રચ્યું તરકટ
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે,દીનેશ કાલરીયા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે હતા ત્યારે તેમના સામે પાલિકાના કોઈ કામ સબબ કોર્ટમાં કેસ થયો હતો.જે વંથલી કોર્ટનો ચુકાદો આવવાનો હોય અને તેમાં તેને 15 લાખ જેવી મોટી રકમ ભરપાઈ કરવાની થતી હોવાની શક્યતા હોય જેથી તેમણે આ લુંટનું નાટક કર્યું હતું. અગાઉ વાયદા બજારમાં નુકશાન જવાથી તેનું ઘર અને જમીન પણ વેચાય ગયા હતા.