ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો જાત જલાવી આપઘાત : બચાવવા જતાં પત્ની પણ દાઝી
ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા પ્રૌઢે ગૃહકલેશથી કંટાળી જાત જલાવી લીધી હતી. પતિને બચાવવા જતાં પત્ની પણ દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા દંપતિને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જ્યાં પતિનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા વિનુભાઈ રવજીભાઈ મકવાણા (ઉ.45) અને તેના પત્ની શોભનાબેન વિનુભાઈ મકવાણા (ઉ.45) બન્ને પોતાના ઘરે હતાં ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા દંપતિને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા વિનુભાઈ મકવાણાનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પુછપરછમાં વિનુભાઈ મકવાણાએ ગૃહકલેશથી કંટાળી મારે મરી જવું છે તેમ કહી જાત જલાવી લીધી હતી. ત્યારે પતિને બચાવવા જતાં પત્ની શોભનાબેન પણ દાઝી ગયા હતાં અને વિનુભાઈનું સારવારમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.