પત્ની સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લીધું
લાંબા સમયથી ભરણ-પોષણ અને છૂટાછેડાનો કેસ ચાલે છે, સ્યુસાઇડ નોટ મળી
શહેરના કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ રહેતા બાવાજી યુવાને પત્ની સહીતના સાસરીયાના ત્રાસથી કંટાળી ફેમીલી કોર્ટમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની સહીતના સાસરીયાઓના ત્રાસથી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પત્ની લાંબા સમયથી રિસામણે હોય અને ભરણપોષણ અને છુટાછેડાનો કેસ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા મીથીલેશગીરી હર્ષદગીરી ગોસ્વામી નામનો યુવાન બપોરના બારેક વાગ્યાની આસપાસ ફેમિલી કોર્ટમાં હતો ત્યારે ફીનાઇલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મીથીલેશગીરી ગોસ્વામીના ભાવનગર ખાતે રહેતી મિતલબેન સાથે લગ્ન થયા હતા. બાદમાં દંપતી વચ્ચે અણ બનાવ બનતા મિતલબેન ગોસ્વામી ભાવનગર માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ હતી અને જ્યાં ભાવનગર પોલીસ મથકમાં પતિ મીથીલેશગીરી ગોસ્વામી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી અને ભાવનગર કોર્ટમાં ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યો હતો. જેની સામે પતિ મિથિલેશગીરી ગોસ્વામીએ રાજકોટની ફેમિલી કોર્ટમાં છુટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો જે છુટાછેડાનો કેસ ભાવનગર કોર્ટમાં ટ્રાન્સફર કરવા મિતલબેને અરજી કરી છે.
મીથીલેશગીરી ગોસ્વામી દ્વારા 19 જુલાઈ 2025 ના રોજ પત્ની મિત્તલબેનનો હક બંધ કરવા માટે અરજી કરવામાં આવી હતી જે પણ હાલ પેન્ડિંગ છે મીથીલેશગીરી ગોસ્વામીએ છૂટાછેડા માટે દાખલ કરેલ કેસની આજે તારીખ હોવાથી તે કોર્ટમાં હાજર થયો હતો. પરંતુ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી તા.20-11-2025 ની મુદત પડી હતી. જેથી મીથીલેશગીરી ગોસ્વામીએ પત્નીએ કરેલી કોર્ટવાહી અને કોર્ટના ધક્કાથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર મિખીલેશગીરી એમ.આર. તરીકે નોકરી કરે છે. તેના લગ્ન 7 વર્ષ પહેલા પત્ની મીતલ સાથે થયા હતા. અને 4 વર્ષથી મિતલ રિસામણે છે. પત્નીએ કરેલા કેસમાં અદાલતે મિખીલેશગીરીને 1.25 લાખ ભાડા ખર્ચ પેટે ચુકવવા હુકમ કર્યો હતો અને મિલ્કત જપ્તીની નોટીસ આપી હોય જેથી કોર્ટના ધક્કાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરાના મિથિલેશ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે જિંદગીથી કંટાળી આ પગલું ભરતું હોવાનું અને આ માટે જવાબદાર તેની પત્ની મિતલ હરસુખપરી ગોસ્વામી ઉપરાંત સાસરીયા હરસુખપરી સુંદરપરી ગોસ્વામી, જયોતિ હરસુખપરી ગોસ્વામી, મહેશભારથી હનુભારથી અને ડો.જયસુખપરી ગોસ્વામી હોવાનું અને આ તમામ લોકોને સરકાર સજા કરે તેવી માંગ કરી હતી.