ધરાર પ્રેમી અને તેના મિત્રના સિતમથી કંટાળી યુવતીનો જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં યુનિવર્સિટી રોડ પર ગોપાલ ચોક નજીક રહેતી અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતી યુવતી યુનિવર્સિટી ખાતે રનીંગ પ્રેકટીસ કરવા જતી હતી ત્યારે રનીંગમાં આવતાં શખ્સ સાથે પરિચય થયો હતો. પરિચય બાદ પ્રેમાંધ બનેલા શખ્સ અને તેના મિત્રના ત્રાસથી કંટાળી યુવતીએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રોડ પર ગોપાલ ચોક નજીક આવેલી ભીડભંજન મેઈન રોડ પર રહેતી 34 વર્ષની યુવતી રાત્રીનાં સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે મચ્છર મારવાનું લિક્વિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીના અગાઉ લગ્ન થયા હતાં અને વર્ષ 2019માં છુટાછેડા થયા હતાં. યુવતી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડની પ્રેકટીસ માટે જતી હતી ત્યારે ત્યાં રનીંગમાં આવતાં વરૂણ સુખદેવભાઈ ડાંગર નામના શખ્સના કોન્ટેકટમાં આવી હતી. તે દરમિયાન બન્નેએ મોબાઈલ નંબરની આપલે કરી હતી. બાદમાં વરુણ ડાંગર યુવતિના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. અને વરુણ ડાંગર અવાર નવાર યુવતિના ઘરે સગપણના માંગા મોકલતો હતો અને તેના મિત્ર જયેશ સિંધવની મદદથી સગાઈ માટે માંગુ મોકલ્યુ હતું. અને યુવતિ ખરાબ હોવાની કુટુંબી જનોને વાત કરી માનસિક ત્રાસ આપતો હતો. ધરાહર પ્રેમી અને તેના મીત્રના ત્રાસથી કંટળી યુવતિએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુવતિએ બન્ને શખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.