બામણબોર સમૂહલગ્નમાંથી પરત ફરેલા સાતડા ગામના વૃદ્ધને કાળ ખેંચી ગયો
હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધે દમ તોડ્યો; કારચાલકની શોધખોળ
રાજકોટ ચોટીલા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં બે દિવસ પૂર્વે બામણગોર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાંથી પરત ફરતા સાતડા ગામના વૃદ્ધને કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના સાતડા ગામે રહેતા મોહનભાઈ અરજણભાઈ સદાદીયા નામના 70 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સાતડા ગામના પાટીયા પાસે ચાલીને જઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મોહનભાઈ સદાદિયા ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર દીકરી છે મોહનભાઈ સદાદિયા બામણબોર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયા હતા અને જ્યાંથી પરત ફરતી વખતે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા કારચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.