ગીર સોમનાથ જિલ્લાના નદી-નાળા તેમજ ભયજનક કોઝવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત્ છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ નદી-નાળા અને તળાવો છલકાયાં છે. વધતા પાણીના જળસ્તરના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે સલામતીનાં ભાગરૂૂપે જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નદી-નાળા તેમજ વિવિધ કોઝ વે પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જળાશય, નદી કાંઠે કે કોઝ-વે પર પાણી જોવા જતાં કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી જિલ્લાના વિવિધ કોઝવે સહિતના ભયજનક સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે અને પૂર્વ તકેદારીના ભાગ રૂૂપે પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના નદી, તળાવ તેમજ ડેમ છલકાયાં છે. પાણીનું જળસ્તર વધવાના કારણે નદી, નાળા, તેમજ ભયજનક કોઝ વે પર કોઈપણ વ્યક્તિ અવર-જવર ન કરે તેની ગીર સોમનાથ પોલીસ સંપૂર્ણ તકેદારી રાખી રહી છે.
જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે મોટા ભાગના ડેમો ભરાઈ જવાથી ઓવરફલો થઈને નદીઓમાં પાણી વહી રહ્યા છે. આવા સમયમાં લોકો ઓવરફ્લો થયેલી નદીઓના વહેણમાં કે નાળાઓમાં પ્રવેશ ન કરે તે માટે ભયજનક વોંકળા તેમજ વિવિધ કોઝ-વે પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. આમ, ભારે વરસાદની સ્થિતિમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે સહિતની મદદ માટે ગીર સોમનાથ પોલીસ પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે.