ટિકિટ કોઇ એકને જ આપી શકાય, તકલીફ હોય તો સીધા મને કહો: પાટીલ
- લોકસભાની દરેક બેઠકમાં પાંચ લાખની લીડમાં કોઇ બહાના નહીં ચાલે: ભાજપના હોદ્દેદારો-ધારાસભ્યોને સ્પષ્ટ ચેતવણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચેય ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથે પક્ષે સોમવારે તમામ ધારાસભ્યો, પ્રભારીઓ તથા જિલ્લા પ્રમુખો સાથેની એક બેઠક યોજી પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. વડોદરા, સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતની બેઠકો પર ચાલી રહેલા અસંતોષના સૂર અને નારાજગીના માહોલથી પરિચિત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બેઠકમાં કડક શબ્દોમાં પૂછ્યું હતું કે, કોઇને કંઇપણ સમસ્યા હોય તો સીધા મને કહે!. અંદર અંદર મુંજાઇને ચર્ચા કરવાને બદલે સીધા મને પૂછી લેવું. ચૂંટણીમાં કોઇ એકને જ ટિકિટ આપી શકાકતી હોય છે. જેને ટિકિટ મળે છે તે ઉમેદવારને જંગી લીડથી જીતાડવા સૌ કામે લાગી જાય. કોઇને કાંઇ તકલીફ હોય તો મને જાણ કરે.
દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં એક એક લાખની લીડ મેળવે તો પાંચ લાખની લીડનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય એમ છે. કોઇને પાંચ લાખની લીડમાં મુશ્કેલી લાગતી હોય તો અત્યારે મને કહે... છે કોઇને મુશ્કેલી? પાટીલના આ પ્રસ્તાવ પર સૌએ નકારમાં ઉત્તર વાળ્યો હતો. એટલે પ્રમુખે હળવેકથી ટકોર કરી કે પઅત્યારે પાંચ લાખની લીડમાં કોઇને મુશ્કેલી છે એવુ પુછ્યું છે ત્યારે સૌએ ના પાડી છે, પણ પછી પોણા પાંચ લાખ આવશે ત્યારે કોઇ બહાનું નહીં ચલાવી લઉં!.
156 ધારાસભ્યો ધરાવતા પક્ષની આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત 101 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા ઉમેદવારોની પસંદગી થઇ ગઇ છે. ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, બધાને ટિકિટ ન મળે. સક્ષમ હશો તો પદ મળશે. તમારા પ્રયાસ પ્રમાણિક હશે તો જરૂૂરથી પરિણામ મળશે. હવે બાકીના કાર્યકરોએ કમળની જીત માટે સાથે રહીને કામ કરવાનું છે. તેમણે સૌ કાર્યકરોને અપીલ કરી હતી કે, આપણે ઉમેદવારો વહેલા પસંદ કરીને જાહેર કર્યા છે, આ જાહેરાત રાષ્ટ્રીય નેતાગીરીએ કરેલી છે ત્યારે હવે સૌએ સભાઓ યોજી પ્રચારની શરૂૂઆત કરો. એનાથી માહોલ ઊભો થશે. જનતાને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે દસ વર્ષમાં કરેલા કામોની જાણકારી આપો. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પમાં સૌને સાથે જોડવાના છે. યુવા કાર્યકરોને ભાજપના ધ્વજ સાથેની ઝંડીઓ લગાવવા, પડદાં પોસ્ટર માટે થોડી શરમ આવતી હોય એમ લાગે છે, પણ ઝંડીથી એક કેસરિયો માહોલ ઊભો થાય છે.
ક્યાંય કંઇ ગરબડ હોય તો ધ્યાન દોરજો : પાટીલ
પ્રદેશ પ્રમુખ પાટીલે સૌ કાર્યકરોને ફરીથી કહ્યું હતું કે, કોઇને કોઇ તકલીફ, પ્રશ્ન હોય તો મને જાણ કરજો. નુકસાન થઇ ગયા પછીના કારણો જાણવામાં મને રસ નથી. અહીં નોંધવુ જરૂૂરી છે કે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલવાની નોબત આવી છે તેનાથી પક્ષની છબીને નુકશાન થયુ છે. એટલે પાટીલે બેઠકમાં બધાને પૂછ્યું હતું કે, ક્યાંય કંઇ ગરબડ હોય તો મારું ધ્યાન દોરજો.