જામનગરમાં પૂનમબેન માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવિયાને ટિકિટ ?
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની કવાયત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ભાજપે 15 તથા કોંગ્રેસે 7 ઉમેદવારો જાહેર કર્યા છે. હવે કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને ટેલીફોન દ્વારા લોકસભાની તૈયારી માટે સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગર બેઠક ઉપર કોંગ્રેસનાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી.મારવીયાને કોંગ્રેસ હાઈકમાન્ડે ફોન કરી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી કરવા સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જે.પી.મારવીયાનો સંપર્ક કરતાં તેમણે પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ફોન આવ્યાની વાત સ્વિકારી હતી અને જણાવ્યું હતું કે, ‘હું ચૂંટણી લડવા માટે સંપૂર્ણ તૈયાર અને સક્ષમ છું.’ જામનગરની બેઠક ઉપર ભાજપે પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસ મારવીયાને ટીકીટ આપે તો પૂનમબેન સામે જે.પી.મારવીયાની સીધી ટક્કર થશે. આ બેઠક ઉપર પૂનમબેન માડમ કદાવર ઉમેદવાર ગણાય છે અને આહિર જ્ઞાતિના ઉમેદવાર હોય જે.પી.મારવીયાને ટિકીટ આપવામાં આવે તો આહીર ઉમેદવાર સામે પાટીદાર ઉમેદવારની ટક્કર થશે. જો કે કોંગ્રેસનું લિસ્ટ બહાર પડે ત્યારબાદ જ સાચી હકીકત જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે, જામનગર બેઠક ઉપર વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે અને હાલના તબક્કે કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ તથા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. આવી સ્થિતિમાં પૂનમબેન માડમ સાથે જે.પી.મારવીયાની ટક્કર રસપ્રદ બની રહેશે. જે.પી.મારવીયાને ટીકીટ માટે ફોન આવી ગયો છેે અને તેનું નામ પણ લગભગ નિશ્ર્ચિત જ માનવામાં આવતું હતું. આમ છતાં કોંગ્રેસમાંથી સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે. મારવીયાને કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી ફોન આવી જતાં તેને ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.