પ્રેમિકાના માતા-પિતાએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમીનો ઝેરી દવા પી આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર સહકાર મેઈન રોડ પર રહેતા યુવકને પ્રેમિકાના માતા-પિતાએ લગ્નની ના પાડતા યુવાને પ્રેમીકાને વિડીયો કોલ કરી ઝેરી દવા પી આપધાત કરી લીધો હતો બનાવને પગલે તેના પરીવારમાં શોક છવાયો છે.બનાવમાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર સહકાર મેઈન રોડ પર પ્રાપ્તી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા કિશન જીતેન્દ્રભાઈ ઠાકર નામના 27 વર્ષના યુવાને ગત તા.26ના રોજ તેના ઘેર હતા તે દરમ્યાન ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજયુ હતુ.
યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના જમાદાર અલ્પેશભાઈ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને પ્રાઇવેટ નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મૃતક યુવકને એક યુવતી સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબધ હતો. પરંતુ યુવતીના માતા-પિતાએ લગ્નની ના પાડતા યુવકે પ્રેમિકાને વીડિયો કોલ કરી આત્મઘાતી પગલુ ભરી લીધાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
