પોરબંદરમાં રખડતા ઢોરે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલા ઘવાઈ
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા વણથંભી રહી છે. બોખીરા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. આખલાએ રીક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલાઓને ઈજા થઈ છે.
ભાણવડના રહેવાસી હીરીબેન વાળા પોરબંદરમાં ઉઠમણા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. દેગામથી રીક્ષામાં બોખીરા જતી વખતે અચાનક 5-6 ઢોર સામે આવ્યા હતા. તેમાંથી એક આખલાએ રીક્ષામાં શિંગડું મારતાં રીક્ષા પલટી ગઈ હતી.
આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ત્રણેય મહિલાઓને ઈજા થઈ હતી. હીરીબેનને વધુ ઈજા થતાં તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ મહિનામાં 600 જેટલા આખલાઓને પકડીને ડબ્બામાં પૂર્યા છે. આમ છતાં શહેરમાં રખડતા ઢોરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.
દરરોજ નાના-મોટા અકસ્માતો બની રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આખલાઓ વચ્ચે યુદ્ધના બનાવો પણ રોજેરોજ બની રહ્યા છે.