રણુજા ગામે રિક્ષાચાલકને લગ્નના નામે લૂંટી લેનારા ત્રણ પકડાયા
આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર :70 હજાર કબજે, લૂંટેરી દુલ્હનની શોધખોળ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે, અને લગ્નની લાલચે 4.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાયા પછી લુટેરી દુલ્હનની શોધખોળ ચલાવાઈ રહી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઇ રિમાન્ડ પર લીધા છે. જેઓ પાસેથી 70 હજારની રોકડ રકમ કબજે લેવાઇ છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના 30 વર્ષના રિક્ષાચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી 4.60 લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લૂંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નયનાબેન ટાંક ઉપરાંત દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા ક્ધયા ના ભાઈ ની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ બાદ કાલાવડ ટાઉન પોલીસે લૂંટેરી દુલ્હન સિવાયના ત્રણ આરોપીઓ બાબુભાઈ ગમારા, કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટાની ધરપકડ કરી લીધી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે. તેઓ પાસેથી 70 હજારની રોકડ રકમ કબ્જે લેવાઇ છે, જ્યારે લૂંટરી દુલ્હન ફરાર થઇ હોવાથી તેની ની શોધખોળ ચલાવાઇ રહી છે.