યાંત્રિક રાઈડસના બે પ્લોટમાં ત્રણ રાઈડસની મંજૂરી નહીં અપાય
યાંત્રિક રાઈડસની ટિકિટનો ભાવ વધારો ફગાવતા કલેકટર, ફોર્મ સ્વીકારવા માટે બે દિવસ સમય લંબાવાયો
રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્ટોલ અને યાંત્રિક રાઈડસના પ્લોટમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે બીજી બાજુ દર વર્ષે બે પ્લોટમાં ત્રણ ત્રણ રાઈડસ ચલાવતાં સંચાલકોને આ વખતે સુરક્ષાને ધ્યાને રાખીને બે પ્લોટમાં બે જ રાઈડસ ચલાવવા દેવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું છે.
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને આ વખતે મેળાના લે-આઉટ પ્લાનમાં ફેરફાર કરી 30 ટકા જેટલા સ્ટોલ અને યાંત્રિક રાઈડસમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળામાં દર વર્ષે રાઈડસના સંચાલકો બે પ્લોટ મેળવી તેમાં ત્રણ ત્રણ રાઈડસ ચલાવતાં હતાં. જેના કારણે મેળાના મેદાનમાં ચિક્કાર ગીર્દી થતી હતી. પરંતુ આ વખતે સુરક્ષાને ધ્યાને લઈને યાંત્રિક રાઈડસના બે પ્લોટમાં બે રાઈડસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું છે. આ ઉપરાંત યાંત્રિક રાઈડસના ટિકીટમાં પાંચ રૂપિયાનો ભાવ વધારો કરી આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે કલેકટરે ફગાવી દીધી છે અને ગત વર્ષનો ટિકીટનો ભાવ અમલમાં રાખ્યો છે. મોટી રાઈડસમાં 40 રૂપિયા અને નાની રાઈડસના 30 રૂપિયા ભાવ ફીકસ કરાયો છે.
બીજી બાજુ લોકમેળાના ફોર્મ માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં 257 ફોર્મ ઉપડયા છે અને 54 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે ત્યારે ફોર્મ ભરવા માટે વેપારીઓને બે દિવસનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. આવતીકાલે સાંજ સુધી વેપારીઓ ફોર્મ મેળવી શકશે અને ભરી શકશે તેમ જાણવા મળેલ છે.