દારૂના ગુનામાં પતાવટના કેસમાં બૂટલેગર પાસેથી 45 હજારની લાંચ લેતા ત્રણ પોલીસકર્મી ઝડપાયા
નડિયાદ એસીબીની ટીમે પેટલાદ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું
પેટલાદ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂૂના કેસમાં પતાવટ માટે બુટલેગર પાસેથી 45 હજાર રૂૂપિયાની લાંચ લેવા જતાં એસીબીના છટકામાં ઝડપાઈ ગયાં છે. જેને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતાં એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાએ ચાર મહિના અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં માર નહીં મારવા અને વધુ રિમાન્ડ નહીં માંગવાના બદલામાં બુટલેગર પાસે એક લાખ રૂૂપિયાની લાંચ માંગી હતી. રકઝકને અંતે આ ત્રણેય પોલીસ કર્મીઓએ લાંચની રકમ ઘટાડીને 45 હજાર કરી હતી. જોકે, આ બુટલેગરની પત્ની લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે એ.સી.બી માં ફરીયાદ કરી હતી.
આ કેસની તપાસ નડિયાદ એસીબીને આપવામાં આવી હતી. જેથી નડિયાદ એસીબીની ટીમે પેટલાદ સ્ટેશન ચોકીમાં છટકું ગોઠવ્યું હતું અને બુટલેગરની પત્ની પાસેથી લાંચ પેટે 45,000 રૂૂપિયા સ્વીકારતા એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહીડાને રંગેહાથ દબોચ્યાં છે. જે બાદ આ ત્રણેય પોલીસકર્મીઓને નડિયાદ એસીબી કચેરી ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.