જેતપુર, ગોંડલ, વીંછિયાના ત્રણ વ્યક્તિ વ્યાજના ચક્કરમાં ફસાયા
કલરના ધંધાર્થીએ જુદા જુદા ચાર શખ્સો પાસેથી ધંધાના વિકાસાર્થે 37 લાખ તગડા વ્યાજે લીધા હતાં : ભરવાડ યુવાને માતાની સારવાર માટે બાઈક ગીરવે મૂકી 15 હજાર વ્યાજે લીધા, ગેરેજના ધંધાર્થીએ 5000 વ્યાજે લીધા’તા
વ્યાજખોરોના અજગરભરડાના કારણે અનેક પરિવારોના માળા વિખાઈ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યાંજકવાદીઓને અંકુશમાં લેવા માટે તબક્કાવાર ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં જ વ્યાજખોરો સામે રાજકોટ જિલ્લા પોલીસ વડાની સુચનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જેતપુર, ગોંડલ અને વિંછીયામાં ત્રણ વ્યક્તિઓ વ્યાજખોરીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતાં છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેતપુરના અમરનગર રોડ પર આવેલ વિવેકાનંદ સ્કૂલ પાછળ સ્વામીનારાયણનગરમાં રહેતા કલરનો ધંધો કરતાં સત્યેન્દ્રસિંહ ઉર્ફે સિકંદર બુધનસિંગ કુશવાહા (ઉ.40) નામના વેપારી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ મહિપતભાઈ બસીયા, જેતપુરના રબારીકા ગામના અશોકભાઈ કાઠી, જેતપુરના દેવાભાઈ ભરવાડ, રબારીકા ગામના કાનાભાઈ કાઠીનું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાના મકાન પર લોન કરી મહીપતભાઈ બસીયાને 8 લાખ રૂપિયા અશોકભાઈને સાત લાખ રૂપિયા દેવાભાઈને 2.30 લાખ અને કાનભાઈ કાઠીને 2.70 લાખ આપી દીધા હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજ અને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતાં હોય આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાછળ શિવમ રેસીડેન્સીમાં રહેતા કિશન રાજુભાઈ માટીયા (ઉ.20) નામના ભરવાડ યુવાનને બે વર્ષ પહેલા માતાના ઓપરેશન માટે પૈસાની જરૂરીયાત હોય ગોંડલના ઘનુભા જાડેજા પાસે બાઈક ગીરવે મુકી 15 હજાર વ્યાજે લીધા હતાં. બાદમાં પૈસાની સગવડતા ન થતાં પેાતાનું બાઈક પરત લેવા જતાં વ્યાજખોરે 65 હજાર આપી જા અને તારું બાઈક લઈ જા તેમ કહી ઓફિસમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિંછીયાના ખોડીયારપરામાં રહેતા અને ગેરેજ ધરાવતાં જયેશભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.36) નામના કોળી યુવાનના પાંચેક મહિના પહેલા પૈસાની જરૂરીયાત ઉભી થતાં ભાભલુભાઈ કાઠી પાસેથી પાંચ હજાર પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. જેનો દર મહિને 250નો હપ્તો હતો.જેની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.