મોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદ પડી રહ્યો હોવાથી જમીનમાંથી સરીસૃપો બહાર આવતા હોય છે ત્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહીત ત્રણ લોકોના મોત નિપજયા છે. તહેવાર સમયે જ બનાવ બનતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના ભચાઉ તાલુકાના વતની હાલ વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે રહેતા કાજલબેન ઘોઘાભાઇ સોઢા (ઉ.વ.35) અને દીકરો કિશન ઘોઘાભાઇ સોઢા (ઉ.વ.10) બંને પોતાના ઘરે ભોયતળે સુતા હતા ત્યારે ઝેરી સર્પ કરડી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લીલાપર રોડ સ્મશાન સામે આવેલ ઓરડીમાં રહેતો પપ્પુ ભીમચંદ સિંગાડ (ઉ.વ.33) નામના યુવાન ગત તા. 01 ના રાત્રીના પોતાના મકાનમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.