ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતાં પિતા-પુત્ર સહિત ત્રણના મોત, બે લોકો ઈજાગ્રસ્ત
ભરૂચમાં ગઈ કાલે સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ સહ્રું થયો હતો. આ વચ્ચે પાલેજ તાલુકામાં વીજળી પડતાં 3ના મોત થયાં છે. પાલેજ તાલુકાના પાદરીયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા હતા. આ દરમિયાન અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો અંદાજીત આઠ જેટલા લોકો ત્યાં જ ઢળી પડ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોરદા ગામમાં રહેતા હબીબ મલેક તેમજ તેમના બે પુત્રો વાગરાથી બાઇક પર પોતાના ગામ ચોરદા જતાં હતા. આ દરમિયાન ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનનાં બ્રિજ નજીક વડનાં ઝાડ નીચે ઊભા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. આ કુદરતી અકસ્માતમાં ચોરદા ગામના હબીબ મલેક (ઉ.વ.55) તેમના પુત્ર સકિલ (ઉ.વ 35) તેમજ કરણ ગામના મનિષ સુરેશ વસાવા (ઉ.વ.25)નું ઘટનાસ્થળે મોત થયું હતું.
ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી. આ સમયે પાલેજ તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા વરસાદથી બચવા ખાતર સાતથી આઠ લોકો વડના ઝાડના નીચે આશરો લઈને ઉભા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાંથી 3ના મોત થયાં છે.