લતીપુરમાં મલાઇ ખાવા ત્રણ-ત્રણ પંચાયત કચેરીઓ બનાવી નાખી
19 વર્ષ પહેલાં બનેલ કચેરી કાર્યરત હોવા છતાં નવા બાંધકામને મંજૂરી કેમ મળી, ગ્રામજનોમાં ઉઠતા સવાલ
જામનગર જિલ્લાના લતીપુર ગામમાં સરકાર તરફથી ત્રણ પંચાયત ઘર બનાવી આપવામાં આવ્યા છે, તાજેતરમાં જ આશરે 25 લાખ ના ખર્ચે નવું પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે જોકે તેમાં પણ ભ્રષ્ટાચારની રાવ ઉઠી હતી મકાનનું મુહૂર્ત થાય તે પહેલા જ તેની લાદી ઉખડી ગઈ હતી જેને રાતો રાત ફરીથી ફીટ કરી અને આખું પ્રકરણ દબાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. આ અગાઉ પણ સરકારશ્રી તરફથી લતીપુર ને એક પંચાયત ઘર બનાવી દેવામાં આવેલ જે પણ અડીખમ ઊભું છે અને તેમાં એક દિવસ પણ પંચાયત ઓફિસ શરૂૂ કરવામાં આવેલ નથી. જે જગ્યા કોઈપણ જાતની જાળવણી વિના બિસ્માર હાલતમાં પડી છે તેની પહેલા એટલે કે 19 વર્ષ પહેલાં ગ્રામ પંચાયત માટે એક નવું મકાન બનાવવામાં આવેલ જે મકાનમાં આજે પંચાયત ઓફિસ ચાલુ જ છે અને તે મકાન બિલકુલ સારી જ હાલતમાં છે છતાં પણ 19 વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ ત્રણ મકાનો બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે? એવો પ્રશ્ન ગ્રામજનોમાં પૂછાઇ રહ્યો છે. આ જોતા તો સરકારી ચોપડે એક મકાનનું આયુષ્ય છ વર્ષનું થયું ગણાય.
લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે જેટલા વધુ બાંધકામ મંજુર થાય એટલી ભાગ બટાઈ અધિકારીઓ અને પદાધિકારીઓને મળે તેના માટે જ નવા નવા બાંધકામો મંજૂર કરવામાં આવે જ છે અને અગાઉ થયેલા બાંધકામો બિસ્મમાર હાલતમાં કોઈ જ ઉપયોગ વગર છોડી દેવામાં આવે છે.
પ્રશ્ન એ ઉદભવે છે કે નવા મકાનોની મંજૂરી આપતા પહેલા જિલ્લાના અધિકારીઓ શું તપાસ નહીં કરતા હોય કે અગાઉ આ હેતુ માટે ક્યારે પૈસા ખર્ચાયા છે? શું તે લોકોને જાણ નહીં હોય કે અગાઉ પણ બબ્બે મકાનો પંચાયત ઘર માટે બનાવવામાં આવ્યા છે. અને આ ત્રીજું.
આ અગાઉ પણ પંચાયતની સાફ-સફાઈ માટે ફાળવવામાં આવેલ નવે નવું ટ્રેક્ટર સતાધીશો અને અધિકારીઓ ની મીઠી નજર નીચે ગામના લે ભાગુ તત્વોએ પોતાની ખેતી કરવામાં વાપરી વાપરીને પતાવી દીધેલું તે અંગે સમાચાર પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયેલ અને તે ટ્રેક્ટર અને ટ્રેલર પણ આજે ક્યાં છે તેનો કોઈ પતો નથી. આમ પ્રજાના લાખો રૂૂપિયાનું પાણી કરી નાખવામાં આવ્યું છે. લતીપુરની ગ્રામ પંચાયત આજે ભગવાન ભરોસે ચાલે છે ક્યારેય પણ સરપંચ પંચાયત ઓફિસમાં દેખાતા નથી. કોઈને વિવિધ દાખલાઓમાં સહી કરાવવી હોય અને ફોન કરે તો જવાબ મળે છે કે મારું બાંધકામનું કાર્ય ફલાણી જગ્યાએ ચાલે છે ત્યાં આવીને સહી કરાવી જાવ.
કોઈ કડકાઈથી કામ બાબતે પૂછે તો સ્પષ્ટ જણાવી દે છે કે હું તમારી પાસે ક્યાં મત માગવા આવ્યો હતો?
સૂત્રોના જણાવ્યા મુજબ સરપંચ પર સતાધારી પાર્ટીના અગ્રણીઓની મીઠી નજર છે એટલે હાજર રહો કે ન રહો, કામ કરો કે ન કરો, કામોમાં ગમે તેવા ભ્રષ્ટાચાર કરો છતાં પણ તેની ફરિયાદ કોઈ સાંભળતું નથી પરિણામે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. હવે તો પ્રજાજનોની મીટ જામનગર જિલ્લા ના સત્તાધીશો અને અધિકારીઓ તરફ મંડાઇ રહી છે કે તેઓ રૂૂબરૂૂ ગામની મુલાકાત લઈ ગામની પરિસ્થિતિ જુએ,જાણે અને ગ્રામજનોને આ દોજખ માંથી ઉગારે.