30 એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ શરૂ કરોે
રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 30 એપ્રિલ સુધી રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ થશે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.આ બેઠકમાં અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમિક્ષા કરી હતી.
આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, HM હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજ કુમાર અને રાજ્ય પોલીસ વડા બેઠકમાં ઉપસ્થિત હતા. આ સાથે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે, આગામી 30 એપ્રિલ સુધી કાયદાઓનું સંપૂર્ણ અમલીકરણ થશે.
આ બેઠકમાં રાજ્ય સરકારને તમામ કમિશનરેટ નવા કાયદાઓનો 100 ટકા અમલ કરવા જણાવાયુ છે. આ સાથે રાજ્ય સરકારને 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ અમલ કરવા જણાવ્યું છે. આ સાથે દરેક કોર્ટ માટે જેલોમાં વિડીયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ અને ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ તેમ પણ જણાવાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ફોજદારી કાયદાઓમાં ઈલેક્ટ્રોનિક એવિડન્સની જોગવાઈઓનું અમલીકરણ કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે ગૃહ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ સહિત અન્ય મેડિકલ રિપોર્ટ ઈલેક્ટ્રોનિક સ્વરૂૂપે મેળવે તેના પર વિશેષ ભાર મુકાયો હતો. અમિત શાહે કહ્યું કે, જેલ, સરકારી હોસ્પિટલો, બેંક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વીડિયો કોન્ફરન્સથી પુરાવા દાખલ કરવાની વ્યવસ્થા થવી જોઈએ. આ સાથે રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વીડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. આ સાથે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકોની તમામ માહિત ઈલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવાની રહેશે. આ તમામ બાબતે રાજ્યના પોલીસ વડાને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન કરાયું છે. આ સાથે અમિત શાહે ગુજરાતે ફોરેન્સિક ક્રાઈમ મેનેજરની નિમણૂંક કરતા સરાહના કરી હતી.