વર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે. જેમાં ગઢડાના હરીપર ગામે રહેતા વૃધ્ધ રાજકોટમાં અગાઉ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં મળવા અને દવા લેવા માટે આવ્યા હતાં તે દરમિયાન સંબંધીના ઘરે રોકાયા બાદ હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. જયારે વર્ધમાન નગરમાં રીક્ષા ચાલક પ્રૌઢ અને પોપટરામાં આધેડને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, ગઢડા તાલુકાના હરિપર ગામે રહેતા કરશનભાઈ માલાભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃધ્ધ રાજકોટમાં રામનાથપરામાં રહેતાં સંબંધી દીનેશભાઈના ઘરે હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં કરશનભાઈ રાઠોડ રાજકોટમાં અગાઉ જ્યાં સિકયોરિટી ગાર્ડમાં નોકરી કરતાં હતાં ત્યાં મળવા અને પોતાની દવા લેવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સંબંધીના ઘરે રોકાતા હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જયારે બીજા બનાવમાં નવા 150 ફુટ રિંગરોડ પર વર્ધમાનનગરમાં રહેતા રીક્ષાચાલક જયેશભાઇ હેમતરામ કુબાવત (ઉ.વ.55)નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવતા બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ.
જયારે ત્રીજા બનાવમાં પોપટપરા પોસ્ટઓફિસ પાસે રહેતા રાજા સુભ્રમણ્યમ મદ્રાશી (ઉ.વ.44)નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બેચાન થતા જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહી તેમનું મોત નીયજપ હતુ પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો.