રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના વધુ ત્રણ દર્દી દાખલ, કુલ 11 સારવાર હેઠળ
ગુજરાતમાં ચાંદીપુરાના 148 શંકાસ્પદ કેસ, કુલ મૃત્યુ આંક 61 થયો, 60 દર્દી સાજા થતા રજા અપાઇ
રાજકોટ સહીત ગુજરાતભરમાં ચાંદીપુર વાયરસની અસર વધી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પીટલમાં એક જ દિવસમાં વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. રાજકોટના આજીડેમ વિસ્તાર, તરઘડીયા ગામ અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના બાળ દર્દી સારવારમાં દાખલ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જેમાં 3 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અન્ય ત્રણના રીપોર્ટ નેગેટીવ છે. જયારે હજુ પાંચ બાળ દર્દીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હોય રીપોર્ટ આવવાના બાકી છે. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 61 દર્દીઓના મોત થયા છે જયારે હાલ 27 દર્દીઓ દાખલ છે. રાજયની અલગ અલગ હોસ્પીટલમાંથી અત્યાર સુધી સાજા થયેલા 60 જેટલા બાળ દર્દીઓને રજા આપવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 11 દર્દીઓ દાખલ થયા છે. જેમાં 11 દર્દીઓ પૈકી 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ 5 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. તેમજ મોરબીના સાત મહિનાના અને પડધરીમાં ત્રણ વર્ષના બાળકની અંદર ચાંદીપુરાના લક્ષણ દેખાતા દાખલ કરાયા છે. રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી 5 વર્ષનો બાળક તેમજ તરઘડીયાની 7 મહીનાની બાળકી અને ધ્રાંગધ્રાની 2 વર્ષની બાળકી સારવારમાં દાખલ કરાઇ છે.
સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના પગલે મોત થયુ છે. 2 દિવસ પહેલા 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને રાજકોટની હોસ્પિટલમાં બાળકને સારવાર માટે રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે અને હજુ પણ 3 બાળકો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ચાંદીપુરાના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.
ચાંદીપુરા વાયરસને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે રિપોર્ટ બનાવ્યો છે. જેમાં દેશમાં ચાંદીપુરા વાયરસના કુલ 148 કેસ નોંધાયા છે અને દેશમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં 140થી વધુ કેસ નોંધાયા છે અને ચાંદીપુરા વાયરસના કારણે ગુજરાતમાં 59 દર્દીઓના મોત થયા છે. 59 મોતમાંથી 51 મોતમાં વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.