રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ત્રણ મૃત્યુ
બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવેલા મુંબઇના વૃધ્ધનું રીસોર્ટના રૂમમાં હાર્ટએટેકથી મોત
પરાપીપળિયા પાસે કારખાનામાં કેરળના આધેડ અને લોહાનગરમાં યુવાનને હાર્ટએટેક જીવલેણ નીવડયો
રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હતા. રાજકોટ બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવેલા મુંબઇના વૃધ્ધ રીસોર્ટના રૂમમાં હતા ત્યારે જ હાર્ટ એટેક આવતા ઢળી પડયા હતા. જયારે પરાપીપળીયા પાસે કારખાનામાં કેરળના આધેડ અને લોહાનગરમાં યુવાનને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો હતો.
જાણવા મળતી વિગત મુજબ મુંબઇમાં ચોપાટી પાસે સ્ટોન બિલ્ડીંગમાં બીજા માળે રહેતા શૈલેષભાઇ જયંતીલાલ શેઠ (ઉ.વ.75) નામના વૃધ્ધ રાજકોટમાં બહેનના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી ગત રવિવારે રાજકોટ આવ્યા હતા અને જામનગર રોડ પર ઇશ્વરીયા પાસે ફેનિકસ રીસોર્ટમાં રૂમ નં.503માં રોકાયા હતા. દરમિયાન આજે સવારે તેઓ હોટલના રૂમમાં હતા ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતું. તબીબોએ હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો અભિપ્રાય આપ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધના મૃતદેહને મુંબઇ લઇ જઇ અંતિમવિધી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મુળ કેરળના વતની અને ત્રણ મહીનાથી જામનગર રોડ પર પરા પીપળીયા પાસે રોસેલ્સ ટેકનોમેટીક કારખાનાના કવાર્ટરમાં રહેતા રની ફીલીપ પેનીસુકુઝીયા (ઉ.વ.49) નામના આધેડ આજે સવારે સ્ટાફ કવાર્ટરમાં હતા ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.જયારે ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર ટેલીફોન એકસચેન્જ પાછળ લોહાનગરમાં રહેતો અજય છોટાભાઇ કલાડીયા (ઉ.વ.30) નામનો યુવાન ગત રાતે પોતાના ઘરે અગાશી ઉપર હતો ત્યારે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું હતું. આ અંગે એડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.