ત્રણ મહિનાનો રિસેસ: વ્યાયામ શિક્ષકોએ આંદોલન સંકેલ્યું
સરકારે નીતિગત નિર્ણય માટે સમય માગતા વિરોધ પ્રદર્શન બંધ કરાયું: 1588 ખેલ સહાયકની નિયુક્તિ અંગે પણ મળેલું આશ્ર્વાસન
ગુજરાતમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલું વ્યાયામ શિક્ષકોનું સ્વૈચ્છિક આંદોલન આખરે સમાપ્ત થયું છે. વ્યાયામ શિક્ષકો અને સરકાર વચ્ચે થયેલા સમાધાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કાયમી શિક્ષકોની ભરતી માટે ચાલી રહેલું આંદોલન પણ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.
આ અંગે યાયામ શિક્ષકોની સરકાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તેમની માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવાની વાત કરી છે. સરકારે નીતિગત નિર્ણય લેવા માટે આગામી ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. આ ઉપરાંત, 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે પણ વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
વ્યાયામ શિક્ષકોએ વધુમાં જણાવ્યું હતું કે હાલ સરકાર સાથે થયેલી ચર્ચા બાદ તેમણે આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા 1588 શિક્ષકોની ભરતીમાં ઉંમરનો બાધ નહીં આવે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તેમની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે તેઓ આંદોલન કરવા માટે મજબૂર બન્યા હતા. વ્યાયામ શિક્ષકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર પોતાનો વાયદો નિભાવશે અને ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારશે. જો કે, તેમણે ચેતવણી પણ આપી છે કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ ફરીથી આંદોલન શરૂૂ કરશે. ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની ઉંમર મર્યાદા ગણવામાં નહીં આવે તેવું પણ સરકારે સ્પષ્ટ કર્યું છે, જે આંદોલનકારીઓ માટે એક મોટી રાહત છે.
વ્યાયામ શિક્ષકોની સરકાર પાસે માંગણીઓ?
ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. તેમનો મુખ્ય મુદ્દો રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાનો છે. ચાલો જાણીએ વ્યાયામ શિક્ષકોની સરકાર પાસેની મુખ્ય માંગણીઓ શું છે:સૌથી પહેલી અને મહત્વની માંગણી એ છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, તેથી તાત્કાલિક કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવે. વ્યાયામ શિક્ષકોની બીજી મુખ્ય માંગણી એ છે કે રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી હાલમાં માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ કરવામાં આવે છે. તે પણ રાજ્યમાં રોસ્ટર મુજબની ખાલી જગ્યાઓ કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં થાય છે. વ્યાયામ શિક્ષકોની માંગ છે કે રાજ્યમાં ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે. તેઓ માને છે કે પ્રાથમિક સ્તરે શારીરિક શિક્ષણનું મહત્વ ખૂબ જ વધારે છે અને ત્યાં પણ કાયમી શિક્ષકો હોવા જરૂૂરી છે. વ્યાયામ શિક્ષકોની ત્રીજી માંગણી એ છે કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને એક નવો સરકારી ઠરાવ (જી.આર.) અને એક નવું માળખું બનાવવામાં આવે. આ નવા માળખા હેઠળ સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે, જેથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને તક મળી શકે.