મિત્રની પડાવી લીધેલી કાર પરત લેવા ગયેલા સગા બે ભાઇ ઉપર ત્રણ શખ્સનો હુમલો
રાજકોટમાં બનેલી ઘટના: કાર અકસ્માતમાં મોબાઇલ તૂટી જતા હુમલાખોરે કાર આચકી લીધા બાદ ચાલકે મિત્રોને ફોન કરીને બોલાવતા થયો ડખ્ખો
શહેરમાં મોરબી રોડ ઉપર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોબાઈલ તૂટી જતા ઉશ્કેરાયેલા શખ્સે યુવકની કાર પડાવી લીધી હતી. જેથી કાર ચાલકે બે મિત્રોને ફોન કરી બોલાવતા મિત્રની કાર લેવા ગયેલા સગા બે ભાઈ ઉપર ત્રણ શખ્સે દાતરડા અને ધોકા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે બંને ભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર આકાશદીપ સોસાયટીમાં રહેતા અને માર્કેટ યાર્ડમાં નોકરી કરતા વિક્રમસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.32) અને તેનો ભાઈ વિજયસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.30) રાત્રીના બારેક વાગ્યાના અરસામાં રતનપર ગામ પાસે આવેલી રામધામ સોસાયટી પાસે હતા ત્યારે રવિરાજસિંહ ગોહિલ સહિતના શખ્સોએ ઝઘડો કરી દાતરડા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત બંને યુવકના મિત્ર યોગીરાજસિંહ સોઢા કાર લઈને મોરબી રોડ ઉપર હોટલે જમવા ગયા હતા ત્યારે હુમલાખોર રવિરાજસિંહ ગોહિલની કાર સાથે અકસ્માત થયો હતો. જે કાર અકસ્માતમાં રવિરાજસિંહ ગોહિલનો મોબાઇલ તૂટી જતા તેણે યોગીરાજસિંહ સોઢાની કાર પડાવી લીધી હતી. જેથી યોગીરાજસિંહે વિક્રમસિંહ જાડેજા અને તેના ભાઈ વિજયસિંહ જાડેજાને ફોન કરી બોલાવ્યા હતા અને બંને ભાઈઓ મિત્રની કાર લેવા ગયા હતા ત્યારે રવિરાજસિંહ સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.