શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
ભીમરાનગરમાં યુવકને એક શખ્સે ઇંટ મારી; સારવારમાં
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. ત્રણેય પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રામનાથપરા વિસ્તારમાં રહેતી રૂકશાનાબેન ઈમરાનભાઈ કારવા (ઉ.33) અને નવા ગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી પ્રિયંકાબેન જાડેજા (ઉ.28)એ રાત્રીના સમયે પોતપોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું.
જ્યારે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા પચ્ચીસવારીયામાં રહેતી કુંજનબેન રાજભાઈ ગમારા નામની 27 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર ત્રણેય પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં ગોવિંદ સૂર્યવંશી નામના 28 વર્ષના યુવાન સાથે રાત્રીના સમયે પ્રકાશ નામના શખ્સે ઝઘડો કરી માથામાં ઈંટ મારી દીધી હતી. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.