બાંટવા નજીક કાર અડફેટે ત્રણ મિત્રોનાં મોત
- બેફામ જતી ઈકો કારે ટ્રિપલસવારી બાઈકને ઉલાળતાં જીવલેણ અકસ્માત
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક સર્જાયેલા એક અકસ્માતમાં બેફામ સ્પીડે જઈ રહેલી ઈકો કારે ત્રીપલ સવારી મોટરસાઈકલને અડફેટે લેતાં બાઈક સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતાં.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.એક ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.આ ઘટના સમયે એક જ બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.કાર તેજ ગતિથી આવી હતી અને બાઇકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવક મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ત્રણેય યુવકોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેય યુવકોના મોત થયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ઇકો કાર ચાલકે કેવી રીતે અકસ્માત સર્જ્યો અને ખરેખર કોની ક્ષતિ હતી તે દિશામાં તપાસ શરુ કરી છે. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસને પ્રાથમિક રીતે આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું લાગી રહ્યુ છે.
આ ગમખ્વાર અકસ્માતમાં બાંટવાના ભરત નગભાઈ મોરી ઉવ.16, પરેશ પરબતભાઈ રામ ઉવ.25 તથા માણાવદરના હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા ઉવ.30ના કરુણ મૃત્યુ નિપજ્યા હતાં. આ ઘટનામાં ત્રણ યુવાનોના એક સાથે મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પરિવારજનોએ ઇકો વાન ચાલકને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.