વેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયા
મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં શનિવારે સવારે મોટી ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ નકલી GST અધિકારીઓને ઝડપી પાડ્યા છે, જેઓ એક દુકાનદાર પાસે ગેરકાયદેસર રીતે 5 લાખ રૂૂપિયાની માંગણી કરી રહ્યા હતા. આ આરોપીઓએ ન્યુ બેસ્ટ પ્રાઈઝ નામની દુકાનમાં તપાસના નામે દાખલ થઈને દુકાનદારને ધમકી આપી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કેસની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓને દુકાનની બહારથી ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ ત્રણેય શખ્સોએ નકલી GST ઓળખપત્રોનો ઉપયોગ કરીને દુકાનદારને ધમકાવીને પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનદારે આ સંદિગ્ધ પ્રવૃત્તિની જાણ થતાં પોલીસને ગુપ્ત માહિતી આપી હતી, જેના પરથી ત્રણેય નકલી અધિકારી ઝડપાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી નકલી ઓળખપત્રો, મોબાઈલ ફોન અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ચિંતા વધી છે, અને તેમણે પોલીસ પાસે સખત કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસે નકલી અધિકારીઓની જણાય તો તાત્કાલિક સૂચના આપવાની અપીલ કરવામાં આવી છે. આરોપીઓ સામે ગેરકાયદેસર માંગણી અને જાલસાઝીના ગંભીર ગુના હેઠળ કેસ દાખલ થયો છે, અને તેમની પૂછપરછ ચાલી રહી છે.