તા.8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર, UCC સહિતના એજન્ડા
ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્ર ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. માનનીય રાજ્યપાલે વિધાનસભાનું સાતમું સત્ર આહ્વાન કર્યું છે, જે 8, 9 અને 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ ત્રણ દિવસીય સત્ર દરમિયાન રાજ્યના સમાન સિવિલ કોડ મહત્વના મુદ્દાઓ અને નીતિઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્ર સંબંધિત માહિતી આપતાં જણાવ્યું કે, ધારાસભ્યો આજથી એટલે કે 8 ઓગસ્ટથી 20 ઓગસ્ટ, 2025 સુધી તારાંકિત પ્રશ્નોની સૂચનાઓ રજૂ કરી શકશે. આ પ્રશ્નો રાજ્યના વિવિધ મુદ્દાઓ, જનતાની સમસ્યાઓ અને વિકાસલક્ષી યોજનાઓ સાથે સંબંધિત હશે, જેની ચર્ચા સત્ર દરમિયાન થશે.
ગુજરાત વિધાનસભા દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સત્રના આયોજન અને તેની કાર્યપદ્ધતિ અંગેની વિગતો આપવામાં આવી છે. આ સત્રમાં રાજ્ય સરકારની નીતિઓ, બજેટના અમલીકરણ અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના છે.
આ ચોમાસુ સત્ર રાજ્યના વિકાસ અને જનકલ્યાણના મુદ્દાઓને આગળ ધપાવવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બનશે. ધારાસભ્યોને તેમના મતવિસ્તારની સમસ્યાઓ ઉઠાવવા અને સરકારી યોજનાઓના અમલ અંગે પ્રશ્નો ઉઠાવવાની તક મળશે. આ સત્ર દરમિયાન થનારી ચર્ચાઓ અને નિર્ણયો રાજ્યના ભાવિ વિકાસની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે.