જેતપુર, મેટોડા અને શાપર-વેરાવળમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
જિલ્લામાં ગેરકાયદેસર ઘુસણખોરો સામે પોલીસનું ચેકીંગ, અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની સરકારે શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પોલીસે સતત ચેકીંગ કરીને જેતપુર, મેટોડા અને શાપર વેરાવળમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી જે ગેરકાયદેસર રીતે રહેતી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને ત્રણ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં પાકિસ્તાન અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવા માટે રાજ્ય સરકારના આદેશને પગલે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને જિલ્લાની તમામ પોલીસે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. તે દરમિયાન મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્મા અને તેમની ટીમે મેટોડા બસ સ્ટેશન પાસેથી બાંગ્લાદેશી મહિલા પાંખીબેગમ ઉર્પે સુમી ખલીલ સરદાર (ઉ.36)ને ઝડપી લીધી હતી. પકડાયેલી પાંખીબેગમ ચોટીલામાં રહેતી હતી અને તે મેટોડા આવી હોવાની બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના મોબાઈલમાંથી બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લીક સરકારનું રાષ્ટ્રીય ઓળખ પણ મળી આવ્યું હતું.
જ્યારે શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઈ રાણા અને તેમની ટીમે બાંગ્લાદેશની હાસીબેન હમઝા મંડલ (ઉ.28)ને ઝડપી લીધી હતી. હાસીબેન અમદાવાદ ત્યારબાદ ચોટીલામાં રહેતી હતી અને તે શાપર-વેરાવળમાં શું કામ માટે આવી હતી ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી મુળ બાંગ્લાદેશની પરવીનબેગમ હારીઝ મીર (ઉ.31)ને ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ ડો.એમ.એમ.ઠાકોરની ટીમે ઝડપી પાડી હતી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 12 બાંગ્લાદેશી અને ત્રણ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. હજુ પણ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો સામે પોલીસની આ ઝુંબેશ શરૂ રહેશે.