હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપીને 10-10 વર્ષની જેલની સજા
ત્રિશૂલ ચોકમાં 8 વર્ષ પૂર્વે 12 હજારની ઉઘરાણી મુદ્દે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો’ તો
રાજકોટ શહેરના ઢેબર રોડ નજીક ત્રિશુલ ચોક પાસે રૂૂ.12000 ની ઉઘરાણી મુદ્દે આઠ વર્ષ પૂર્વે ખાનગી કંપનીના લોન રિકવરી એજન્ટને માર મારવાના ગુનામાં કોર્ટે ત્રણ શખ્સોને 10 વર્ષની સખત કેદ અને રૂૂ.76 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં આવેલી કેપિટલ ફાઇનાન્સ નામની કંપનીના ટુ-વ્હીલર લોન રિકવરી એજન્ટ તરીકે કામ કરતો મીત ભરતભાઈ સરવૈયા નામના યુવાન ઉપર ગત તા.27/7/2016 ના રોજ ત્રિશુલ ચોક પાસે ધર્મેશ ઉર્ફે હકો સુરેશ દેવડા, સંદીપ ઉર્ફે દીપુ સુરેશ દેવડા, યાજ્ઞિક ઉર્ફે રાધે ઉર્ફે બાઠીયો વાલજી કોલાદરાએ છરી અને ધોકા વડે માર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મીત સરવૈયાએ ધર્મેશ ઉર્ફે હકો દેવડા પાસેથી રૂૂ.12,000 હાથ ઉછીના લીધા હતા. જે રકમની ઉઘરાણી કરતા ત્રણેય શખ્સો સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ભક્તિનગર પોલોસ મથકના તે સમયના ઇન્ચાર્જ પીઆઇ બી.ટી. ગોહિલ અને રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનાએ ત્રણેય શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ પુરાવા ઉપર આવતા સરકાર પક્ષે ફરીયાદી, મિત્ર કલ્પેશ, સારવાર આપનાર ડોકટર સહિત 19 સાહેદોને તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ રાખવામાં આવેલ. જે તમામ પુરાવાઓને ધ્યાને રાખી એડી. ડીસ્ટ્રીકટ જજ વિ.કે. ભટ્ટે ત્રણેય આરોપી સંદિપ ઉર્ફે દિપુ ઉર્ફે દિકુ સુરેશભાઇ દેવડા, યાજ્ઞિક ઉર્ફે રાધે ઉર્ફે બાઠીયો વાલજીભાઇ કોલાદ્રા અને ધર્મેશ ઉર્ફે હકો સુરેશભાઇ દેવડા વિરૂૂધ્ધ ગુન્હો સાબીત માની અલગ અલગ ગુન્હાઓ હેઠળ કુલ 10 વર્ષની સખ્ત કેદની સજા અને રકમ રૂૂ. 76 હજારનો દંડ ફરમાવ્યો છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ શાહ અને ફરીયાદી વતી પ્રફુલ બી. વસાણી, સંકેત પી. વસાણી અને ધ્રુતિ પી. વસાણી રોકાયા હતાં.