Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી
સૌ.યુનિ. સંલગ્ન કોલેજના અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને 15 દિવસનું અલ્ટીમેટમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીના એક વિવાદમાંથી નિકળી બીજા વિવાદમાં ફસાઇ છે. પીજી સેન્ટર વગરની કોલેજોના પ્રોફેસરોને ઉમેદવારો ફાળવવાનું બંધ કરવામાં આવતા દેકારો મચી ગયો છે અને 15 દિવસમાં જો નિયર્ણ નહીં લેવામાં આવેતો ગાઇડશિપનું સર્ટી રાજ્યપાલને પરત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડો. ક્રિપાલસિંહ પરમાર અને મહામંત્રી ડો. નારણ ડોડીયાની આગેવાનીમાં કુલપતિને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોને છેલ્લા ઘણા સમયથી અધ્યાપકો તથા નવા અધ્યાપક સહાયકોને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા આપવામાં આવતી નથી. જુના અધ્યાપકો જે વર્ષોથી ગાઈડશીપ ધરાવે છે. તેમને પણ જાણવા મળ્યા મુજબ પીએચ.ડી. માટેના નવા વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં.
એક બાજુ અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીના વિકાસની વાતો આપણે સૌ કરીએ છીએ અને બીજી બાજુ અનુસ્નાતક અને પીએચ.ડી. ગાઈડશીપ આ બંને બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ. જે ખરેખર શિક્ષણના હિતમાં અન્યાય કરતા છે. અમારી જાણ મુજબ અન્ય યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. અને પીજી માન્યતા ન આપવા બાબત આવા કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી તો આપણી યુનિવર્સિટીમાં શા માટે આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. તો આ બાબતે વહેલી તકે યોગ્ય ઘટતું કરવા વિનંતી.
આપને અમારી વિનંતી છે કે ઉપરોક્ત બંને પ્રશ્નો માટે વહેલી તકે ઉકેલ લાવશો અને આ પ્રશ્નનું નિરાકરણ થાય તે શિક્ષણ જગતના હિતમાં ખૂબ જ હિતકારી છે. આ બાબતે કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળની રજૂઆત આવી છે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ન ભણાવતા ગાઈડને PhDના વિદ્યાર્થીઓની ફાળવણી ન કરવી તેવો નિર્ણય વર્ષ 2024 માં ડિસેમ્બર માસમાં મળેલો બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં લેવાયો હતો. જોકે આ મુદ્દો ફરી ઇઘખ માં મૂકવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.