For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લુખ્ખાઓ બેફામ બન્યા, ત્રિશૂલ ચોકમાં કારખાનેદાર સહિત બેને છરીના ઘા ઝીંક્યા

03:49 PM Aug 12, 2024 IST | admin
લુખ્ખાઓ બેફામ બન્યા  ત્રિશૂલ ચોકમાં કારખાનેદાર સહિત બેને છરીના ઘા ઝીંક્યા

પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી પાનની દુકાને સરાજાહેર હુમલો કરી કુખ્યાત શખ્સ ફરાર

Advertisement

શહેરમાં પોલીસનો ભય ઓછો થતાં હવે લુખ્ખાઓ બેફામ બન્યા છે. શહેરના શેરી ગલ્લીઓમાં ગાંઠીયાદાદાઓ પોતાનું સામ્રાજ્ય જમાવવા નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ કરી હુમલા કરે છે. પોલીસની નિર્માલ્યતાને કારણે શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરના ત્રિશુલ ચોકમાં સરાજાહેર કારખાનેદાર અને તેના મિત્ર ઉપર હુમલો કરી હત્યાના પ્રયાસનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસમાં કુખ્યાત શખ્સ વિરૂધ્ધ કરેલી અરજીનો ખાર રાખી લુખ્ખાએ સરાજાહેર કારખાનેદાર અને તેના મિત્રને છરી ઘા ઝીંકયા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ આ મામલે હવે તપાસ કરી લુખ્ખાને પકડવા દોડધામ કરી રહી છે.

શહેરના નંદા હોલ પાછળ ભારતીનગર શેરી નં.1/5 કોર્નરમાં રહેતા અને અટીકા મેઈન રોડ પર મેજર ડાયપ્રોસેસ નામનું કારખાનું ચલાવતાં ચેતનભાઈ કાંતિભાઈ રાઠોડ (ઉ.39) નામના કારખાનેદાર ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે કારખાનાની બાજુમાં આવેલ મોબાઈલ ડીલેકસ પાન નામની દુકાને ફાકી લેવા ગયા ત્યારે તેમના મિત્ર જગદીશભાઈ દેવાયતભાઈ કુગસીયા મોટર સાઈકલ લઈને ચેતનભાઈને તેડવા આવ્યા હતાં અને બન્ને મિત્રો ત્યાંથી ઘર તરફ જવા નીકળતાં હતાં ત્યારે નજીકમાં રહેતો રવિ ઉર્ફે ભગત ચાવડીયા ત્યાં આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. રવિ વિરૂધ્ધ ચેતનભાઈ રાઠોડના મિત્ર દિવ્યેશ સિતાપરાએ અગાઉ પોલીસમાં અરજી કરેલ હોય જે બાબતે ચેતનભાઈ સાથે રવિએ પાનની દુકાને આવી ગાળાગાળી કરી હતી.

Advertisement

જો કે ચેતનભાઈએ આ બાબતે રવિને જુનુ ભુલી જવાનું કહેતા તે વધુ ઉગ્ર બન્યો હતો અને ‘તું ઉભો રહે હું છરી લઈને આવું છું તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો તે દરમિયાન જગદીશભાઈના મિત્ર દિવ્યેશભાઈ તથા અન્ય મિત્રો પણ ત્યાં આવ્યા હોય આ બધા મિત્રો પાનની દુકાને ઉભા હતા ત્યારે રવિ ચાવડીયા પોતાનું મોટર સાઈકલ લઈને ડબલ સવારીમાં આવ્યો હતો. રવિ ચાવડીયાએ મોટર સાઈકલમાંથી નીચે ઉતરી છરી કાઢી પહેલા જગદીશભાઈના પેટમાં એક ઘા ઝીંકી દીધો હતો જેને છોડાવવા વચ્ચે પડેલા કારખાનેદાર ચેતનભાઈને પણ રવિ ચાવડીયાએ છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. બન્ને મિત્રોને ઈજા થઈ હતી. આ હુમલા બાદ રવિ મોટર સાઈકલ લઈને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ચેતનભાઈ અને તેના મિત્ર જગદીશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે ભક્તિનગર પોલીસે રવિ સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement