અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે: મેબલ મેકવાન
જુદા જુદા બોર્ડ,અંગ્રેજી માધ્યમ અને ટેકનોલોજીના ઉપયોગ વચ્ચે ગુજરાતી ભાષા અકબંધ રહેવાનો વિશ્વાસ છે મેબલ મેકવાનને
"બાર વર્ષ સુધી કોલેજના વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ અકસ્માત થયા પછી નાના બાળકોને ભણાવવાનું શરૂૂ કર્યું. થોડા દિવસ તો મૂંઝવણ થતી હતી,પણ જ્યારે બાળકો ગુજરાતીના પિરિયડમાં બુક લઈને ક્લાસની બહાર રાહ જોતા હોય અથવા તો એમ કહે કે "તમે મારા મમ્મી જેવા જ છો” ત્યારે એમનો પ્રેમ છલકાતો દેખાય.બાળકોના આવા પ્રેમના કારણે જ હું શાળામાં રોકાઈ ગઈ. છેલ્લા 11 વર્ષથી બાળકોને ભણવું છું. બાળકોના પ્રશ્નો સામે આવતા ગયા અને તેમના પ્રશ્નો સોલ્વ કરવા તેમજ તેમને ખુશી થાય તેવી પ્રવૃત્તિ કરાવતા કરાવતા હાલ કોર્ડિનેટર સુધી પહોંચી છું. છોકરાઓ જે રીતે ગુજરાતીમાં રસ લે છે તે જોઈને એમ થાય કે અંગ્રેજીના વિદ્યાર્થીઓને ગુજરાતી નથી ગમતું તે માન્યતા ખોટી છે’. આ શબ્દો છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં રસ લેતા કરનાર અમદાવાદના ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલેન્સના કોર્ડિનેટર અને ગુજરાતીના શિક્ષિકા મેબલ વિલિયમ મેકવાનના.
અમદાવાદમાં ક્રિશ્ચન પરિવારમાં જન્મ થયો. એમ.એ. બી.એડ. મોડર્ન લિટરેચરમાં પીએચ.ડી. તથા એમ.ફીલ.કરી 12 વર્ષ સુધી કોલેજમાં વિદ્યાર્થીઓને લિટરેચર ભણાવ્યું ત્યારબાદ અકસ્માતના કારણે શાળામાં શિક્ષિકા તરીકેની જવાબદારી સ્વીકારી.અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતી ભણાવવાનું કામ ચેલેંજિંગ હોય છે આમ છતાં તેઓએ વિદ્યાર્થીઓને રસ જાગે તેવી પ્રવૃત્તિ કરાવીને ગુજરાતીને બાળકોની પ્રિય ભાષા બનાવી છે.ડાયરી લેખન, રામાયણ, મહાભારતના કિસ્સા બોલવાના, લખવાના, સ્ટોરી ટેલિંગ,નિબંધ સ્પર્ધા,જુદા જુદા નાટકો વગેરે દ્વારા વિદ્યાર્થીઓ ગુજરાતીને પ્રેમ કરતા થયા છે. આ ઉપરાંત દર અઠવાડિયે ટેક્સ્ટ બુક સિવાયના પ્રશ્નો તૈયાર કરાવતા,જે ગૂગલ સહિત ક્યાંય ન મળે તેથી જવાબ માટે તેઓએ માતા-પિતાને પૂછવું પડે અથવા તો લાઇબ્રેરીના પુસ્તકો ફંફોસવા પડે.આ રીતે બાળકો લાઈબ્રેરીમાં પણ જાય.
મેબલ મેકવાન જણાવે છે કે, "છોકરાઓ જે રીતે રસથી કવિતા ગાય, નાટકોમાં ભાગ લે,અક્ષર સુધારે,નિબંધો જાતે લખે આ બધું જોઈને ગુજરાતી ભાષા અકબંધ રહેવાની ખાતરી થાય છે. કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક પહેરે. જેમકે ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય હોય તો તેના જેવો જ પહેરવેશ ધારણ કરે આમ છોકરાઓ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ લેતા થાય છે. ઘણી વખત માતાઓ પૂછે છે કે બાળકોને ગુજરાતીમાં રસ લેતા કરવા શું કરવું? તેનો જવાબ છે કે દરરોજ ઘરે ગુજરાતી અખબારમાં શનિવારે બાળકોની પૂર્તિ આવે છે તે વાંચવાની ટેવ પાડો. આ માટે અમે શાળામાં પણ એ પૂર્તિ મગાવીએ છીએ તેમજ જોડકણાં, ઉખાણાં વગેરે કરાવીએ છીએ.”
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા મેબલ મેકવાન જણાવે છે કે, "97ના વર્ષમાં કોલેજ પૂરી કરી એ સમયે સરકારી ભરતી બંધ હતી ત્યારબાદ આગળ અભ્યાસ કર્યો પરંતુ પછી શું?એ પ્રશ્ન બહુ મોટો હતો. 10 થી 12 વર્ષનો એ સમયગાળો સંઘર્ષનો હતો જ્યારે તેમના સાથીઓએ અન્ય વ્યવસાય સ્વીકારી લીધો હતો. શાળા-કોલેજમાં પોતાના રસનો વ્યવસાય મળ્યો તે સદભાગ્ય છે. ભણાવવા સાથે વિદ્યાર્થીઓની માનસિક કેળવણી બહુ જરૂૂરી છે બાળકો પપ્પાને, ઓબ્ઝર્વ કરે છે અને મમ્મીને ફોલો કરે છે તેથી ઘરનું વાતાવરણ પણ બાળકોની કેળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.”
મેબલ મેકવાનને બાળકોના પ્રેમ સાથે લોયલ્ટીનું પ્રમાણપત્ર, ઓનેસ્ટી માટે બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો છે. નિબંધ સ્પર્ધામાં પણ તેઓ વિજેતા થયા છે તેમજ મેડિટેશન ડેના દિવસે પણ તેઓને પ્રમાણપત્ર મળ્યું છે.જુદા જુદા બોર્ડ,અંગ્રેજી માધ્યમ અને ટેકનોલોજીના ઉપયોગ વચ્ચે ગુજરાતી ભાષા અકબંધ રહેવાનો તેઓને વિશ્વાસ છે.પોતાની શાળા બાબત જણાવે છે કે, "શાળામાં ડિસિપ્લિનનું ખૂબ મહત્ત્વ છે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવે તો ચાલે પરંતુ ડિસિપ્લિનના પાઠ ન ભણે તે ન ચલાવી લેવાય. જે રસથી વિદ્યાર્થીઓ કવિતા ગાય છે અને ગુજરાતીમાં રસ લે છે તે જોઈને ગુજરાતી ભાષા હેમખેમ રહેવાનો અડીખમ વિશ્વાસ છે.”
મેબલ મેકવાનની માતા-પિતાને શીખ
અત્યારે માતા-પિતા બાળકોને કયા બોર્ડમાં ભણાવવા તે વિચારે છે પરંતુ તેઓ જણાવે છે કે બોર્ડની પસંદગી કરતા શાળા સારી હોય તેનું ધ્યાન રાખવું જરૂૂરી છે. બાળકની કેળવણી શાળામાં જ થાય છે ડિસિપ્લિનના પાઠ પણ બાળકો શાળામાં જ શીખે છે. ઘરમાં એક બોર્ડ રાખો જેમાં પ્રેરણાદાયી વિચારો લખો. જે બાળક ઉઠીને તરત જ વાંચી શકે. ઘરમાં બાળકોને રસ પડે તેવા પુસ્તકો વસાવો અને સ્વયં પણ વાંચવાની ટેવ વિકસાવો.
અભ્યાસ સાથે ઘડતરના પાઠ ભણાવે છે આ સો વર્ષ જૂની શાળા
રમણભાઈ પટેલ ફાઉન્ડેશનમાં તેમના પુત્ર પંકજભાઈ પટેલ દ્વારા આ શાળા સતત વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત છે.સી.બી.એસ.સી. અને આઈ.સી.એસ.સી. બોર્ડ હોવા છતાં ગુજરાતી વિષય ઉપર ભાર મૂકવામાં આવે છે. તેનું કારણ રમણભાઈ પટેલ પોતે એક કવિ હતા.આ વર્ષે 100 વર્ષ પૂરાં થતાં વિદ્યાર્થીઓ દ્ધારા ગુજરાતીમાં તેમણે લખેલી કવિતાનું પઠન, ગાન, અને એ કવિતા ઉપર જ નૃત્યનો સમન્વય કરી રજૂ કરવામાં આવનાર છે. જેથી નવી પેઢી રમણભાઈના વિચારોને જાણી શકે, માણી શકે. પંકજભાઈ પટેલ પોતે કલાને પ્રોત્સાહન આપે છે. અહીં દર વર્ષે આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવે છે, અહીં પોર્ટરી, કાર્પેન્ટરી, નાટક,સીવણ, નૃત્ય જેવી વિવિધ પ્રવૃતિઓ શીખવવામાં આવે છે.શાળા દ્વારા દર વર્ષે ઝાયફેસ્ટ યોજવામાં આવે છે- જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ રસપૂર્વક ભાગ લે અને શાળા સહુનું બહુમાન કરે છે.
મોબાઈલ છોડાવવા માટે આટલું કરો.
વર્તમાન સમયમાં બાળકોને મોબાઇલની ટેવ વિશે દરેક માતા-પિતાને ફરિયાદ હોય છે તેમને મેબલ મેકવાન જણાવે છે કે જેમ માતા મોલમાં એક કલાક પસાર કરે છે એ જ રીતે બાળકને લઈને પુસ્તકાલયમાં પણ એક કલાક પસાર કરો. નાના નાના પુસ્તકો વસાવો. બાળક નાનું હોય તો જોડકણાં તેમજ ઉખાણાં અને ચિત્રોવાળી બુક વસાવો જેનો અભ્યાસ માતા પણ બાળક સાથે કરશે તો બાળકને મોબાઇલની જરૂૂર નહીં પડે. ઉખાણાં અને કોયડા સૂલટાવવા બાળક પેન પેપર પકડશે અને મોબાઈલથી દૂર રહેશે.બીજી વાત બાળકોના હાથમાં મોબાઈલ ટેકનોલોજી મૂકી ન દો.લેપટોપ કે મોબાઈલ વાપરે ત્યારે તેની સાથે રહો. એક કલાક કે અડધો કલાક જે જુએ તેનું તમે પણ નિરીક્ષણ કરો. યુ ટ્યુબ પર બાળક કંઈ જુએ તો તેને ટીવીમાં કનેક્ટ કરીને જોવાનું કહો. શાળામાંથી મોબાઇલમાં હોમવર્ક કે સૂચના આવે તે બાળકોને જોવાનું ન કહેતા માતા પિતા પોતે જ જુએ તો બાળકોને મોબાઇલ આપવાનો પ્રશ્ન નહીં રહે. વધુ વખત મોબાઈલ હાથમાં રહે તો તરત જ ટોકો અને મોબાઈલ છોડાવો.
Wrriten By: Bhavna Doshi