ગાંધીનગરમાં રફતારનો કહેરઃ રાંદેસણ નજીક નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, 4 લોકોના મોત
રાજ્યમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ગંભીર અકસ્માત ગાંધીનગરમાં થયો છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર એક પૂરપાટ ઝડપે આવતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયાં છે. જ્યારે 5થી લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફુલસ્પીડમાં કાર ચલાવી રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર પણ તે જ હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.