આ ચૂંટણી ભારત માટે છે ભાજપ માટે નહીં: અમિત શાહ
- એક પણ મતદારનો સંપર્ક કરવાનું ચૂકતા નહીં, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચારના શ્રીગણેશ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. શુક્રવારે તેમણે પોતાના ચૂંટણી અભિયાનની શરૂૂઆત કરી હતી.
ભાજપના કાર્યકર્તાઓને મતદારોને જણાવવા કહ્યું હતું કે આ ચૂંટણી ભારત માટે છે , તેમની પાર્ટી માટે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શાહે પહેલા ગુરુકુલ રોડ પર એક મંદિરમાં ભગવાન હનુમાનના આશીર્વાદ લીધા હતા અને પછી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એક મંદિર પાસે સંબોધન કર્યું હતું. શાહે તેમના પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક મતદારનો સંપર્ક કરે અને ખાતરી કરે કે તેઓ ( ઇવીએમ પર ) કમળનું બટન દબાવે. લોકોને કહો કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નથી , પરંતુ ભારત માટે છે, એકપણ મતદારનો સંપર્ક કરવાનું ચૂકવાનું નથી.
અમિત શાહે રાજકારણમાં પોતાના પ્રારંભના દિવસોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમણે 30 વર્ષ પહેલા પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને આજે એજ હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરીને લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચારની શરૂૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં 1500 જેટલા પક્ષોમાંથી ભાજપ એકમાત્ર એવું સંગઠન છે, જે મારા જેવા પક્ષના નાના કાર્યકર્તા કે જે પોસ્ટર અને પત્રિકાઓ વહેચતા હતા, પક્ષના કાર્યક્રમો માટે પડદા મુકતા હતા તેમને કેન્દ્રીય મંત્રી અને અધ્યક્ષ બનાવે છે. આ પક્ષે એક ગરીબ પરિવારના ચા વેચનારને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા બનાવ્યા છે.ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમને ફરીથી ટિકિટ આપવા બદલ અમિત શાહે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ભૂતકાળમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એલકે અડવાણીએ બેઠક પરથી ચૂંટણી લડી હતી. પીએમ મોદીએ પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન આતંકવાદ , નક્સલવાદ અને ઘૂસણખોરોનો કડક રીતે સામનો કરીને સમગ્ર દેશને સમૃદ્ધ જ નહીં પરંતુ સુરક્ષિત પણ બનાવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે આ લોકસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો ભારતને મહાન બનાવવાનો છે અને તેમણે કાર્યકર્તાઓને આગામી સામાન્ય ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર જીત સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી . કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે , માત્ર ગુજરાત જ નહીં , પરંતુ હવે દેશમાં મોદી લહેર ફેલાઈ ગઈ છે . તેઓ ( મોદી ) જ્યાં પણ જાય છે , પછી તે દક્ષિણ ભારત હોય કે દિલ્હી , લોકો અબકી બાર , 400 પારથ ના નારા લગાવે છે.